Homeગુજરાતીદેશ-વિદેશમાઉન્ટ એબી ગેમિન પર ITBPનો શૌર્યધ્વજ, 23 જવાનોએ 24 હજાર ફૂટની ઊંચાઈએ...

માઉન્ટ એબી ગેમિન પર ITBPનો શૌર્યધ્વજ, 23 જવાનોએ 24 હજાર ફૂટની ઊંચાઈએ લહેરાવ્યો તિરંગો

નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર 2026: ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના 23 જવાનોએ ઉત્તરાખંડમાં ભારત-તિબેટ સરહદ પર સ્થિત 7,355 મીટર (24,131 ફૂટ)ની ઊંચાઈ ધરાવતા પડકારજનક પર્વત ‘માઉન્ટ આબી ગામિન’ને સફળતાપૂર્વક સર કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે.

16 સપ્ટેમ્બરના રોજ, સૈનિકોએ કડકડતી ઠંડી અને પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરીને આ દુર્ગમ શિખર પર ત્રિરંગો લહેરાવ્યો.

અભિયાનનો પ્રારંભ અને પડકારો

આ ઐતિહાસિક આરોહણ 2026ના ફોર્સ-સ્તરના પર્વતારોહણ અભિયાનનો એક ભાગ હતું. આ ટુકડીનું નેતૃત્વ ડેપ્યુટી કમાન્ડન્ટ પરીક્ષિત શાહે કર્યું હતું. ITBPના ડાયરેક્ટર જનરલ શત્રુજીત કપૂરે 7 ઓગસ્ટના રોજ નવી દિલ્હી સ્થિત ITBP મુખ્યાલય ખાતેથી આ અભિયાનને લીલી ઝંડી બતાવી રવાના કર્યું હતું.

7000 મીટરથી વધુની ઊંચાઈએ આવેલા આ શિખરને સર કરવું એ અત્યંત કઠિન અને સાહસપૂર્ણ કાર્ય હતું. આ અભિયાન દરમિયાન સૈનિકોએ અત્યંત પાતળી હવા, ઓક્સિજનની ભારે અછત, થીજી જાય તેવી ઠંડી, વિશાળ હિમનદીઓ અને જોખમી તથા અનિશ્ચિત હવામાનનો સામનો કરવો પડ્યો હતો.

આ સફળતા પાછળ સઘન તાલીમ, વ્યૂહરચના અને વાતાવરણને અનુરૂપ ઢળવાની પ્રેક્ટિસના અઠવાડિયાઓનો પરિશ્રમ રહેલો હતો.

માઉન્ટ ગેમિનનો ભવ્ય ઇતિહાસ

માઉન્ટ આબી ગામિન ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગઢવાલ હિમાલયમાં આવેલું છે. તે માઉન્ટ કામેટથી અંદાજે 2 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં સ્થિત છે અને ‘મીડ્સ કોલ’ (Meade’s Col) દ્વારા કામેટ પર્વતસમૂહ સાથે જોડાયેલું છે. તેના ઉત્તરીય ઢોળાવ તિબેટ તરફ નીચે ઉતરે છે.

1950માં, એક એંગ્લો-સ્વિસ ટીમે તિબેટ તરફથી માના પાસ (Mana Pass) થઈને ચઢાણ કરીને સૌપ્રથમ વાર તેને સર કર્યું હતું. 1953માં, નંદુ જયલના નેતૃત્વ હેઠળના ભારતીય પર્વતારોહકોએ પણ તેના પર સફળતાપૂર્વક ચઢાણ કર્યું હતું.

હિમાલયના અત્યંત ઊંચાઈવાળા અને પડકારજનક સરહદી વિસ્તારોમાં તૈનાત ITBPના ‘હિમવીરો’ માટે, આ અભિયાન તેમની અસાધારણ પર્વતારોહણ ક્ષમતા, શારીરિક સહનશક્તિ અને અતૂટ દ્રઢનિશ્ચયનું પ્રમાણ પૂરું પાડે છે.

મહાનિર્દેશકે અભિનંદન પાઠવ્યા

આ અભિયાનની સફળ સમાપ્તિ બાદ, ITBPના અધિકૃત સોશિયલ મીડિયા હેન્ડલ પર જવાનોની પ્રશંસા કરતો સંદેશ શેર કરવામાં આવ્યો: “હિમવીરોએ માઉન્ટ અબી ગામિન સર કર્યું છે.”

ડીજી શત્રુજીત કપૂરે 23 સભ્યોની આ ટીમનાં તમામ બહાદુર સભ્યોને અભિનંદન પાઠવ્યા અને તેમના અદમ્ય સાહસને ભારતીય સેના તથા સુરક્ષા દળો માટે એક મોટી પ્રેરણા ગણાવ્યા.

વધુ વાંચો: લંડનમાં થેમ્સ નદીમાં ફસાઈ 25 વ્હેલ, 6 કલાકની મહેનત બાદ તમામનું સફળ રેસ્ક્યૂ

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular