હેમંત પરમાર દ્વારા
રાજધાની દિલ્હીના જંતર-મંતર પર ફરી એકવાર “લોકશાહી ખતરામાં છે” વાળો જૂનો અને જાણીતો નાટ્યપ્રયોગ શરૂ થઈ ગયો છે. માઈક હાથમાં લઈને ગળા ફાડી રહેલા આંદોલનકારીઓને પૂછો કે વાંધો શું છે? તો કહેશે “વોટ ચોરી થઈ ગઈ.” જરાક ઊંડા ઉતરો તો કહેશે “ના ના, ઈવીએમ ખરાબ છે” થોડા વધુ પ્રશ્નો પૂછો તો બોલશે “ના, ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે રાજીનામું આપવું પડશે.”
પરંતુ પડદા પાછળ ચાલી રહેલી રમત તરફ નજર કરો તો સમજાય કે, વાસ્તવમાં દર્દ માથાનું નથી, પેટનું છે. આ આંદોલન ન તો ઈવીએમ માટે છે, ન વોટ ચોરી માટે, કે ન કોઈ અધિકારીના રાજીનામા માટે. આ તમામ ઊહાપોહ પાછળનું એકમાત્ર અને અસલ કારણ છે, એફસીઆરએ બિલનો ભયાનક ફફડાટ.
કેલેન્ડરની કરામત, ૨૦ જુલાઈનો ફ્લેશબેક યાદ છે?
જરા યાદદાસ્ત પર જોર આપો. ૨૦ જુલાઈના રોજ પણ દિલ્હીના રસ્તાઓ પર આવો જ હાઈવોલ્ટેજ ડ્રામા અને હિંસક ધમાસાણ સર્જાયું હતું. ત્યારે બહાનું કંઈક અલગ હતું, પણ ટાઈમિંગ એકદમ પરફેક્ટ હતું. સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવાનું હતું અને સરકાર એફસીઆરએ (ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ) સંબંધિત કડક સુધારા બિલ રજૂ કરવાની ફિરાકમાં હતી. પરિણામ? આંદોલન અને હોબાળાની આડમાં આખું ચોમાસુ સત્ર સ્વાહા કરી દેવાયું અને બિલ અટકી ગયું. મિશન સક્સેસફુલ.
૧૨ ઑક્ટોબરની ડેડલાઇન, દુકાનો કાયમ માટે બંધ થવાનો ડર
હવે ફરી એ જ પટકથાનું બીજું પ્રકરણ શરૂ થયું છે. આગામી ૧૨ ઑક્ટોબરે એફસીઆરએ બિલ પર પાર્લામેન્ટરી જોઈન્ટ કમિટીની અંતિમ બેઠક મળવાની છે. આ બેઠક પત્યા પછી શિયાળુ સત્રમાં આ બિલ કાયદો બનીને બહાર આવે એ નક્કી છે.
અને બસ, આ જ વાતની ખરી ધ્રૂજારી છે. જો આ બિલ પાસ થઈ ગયું, તો સેવા અને ક્રાંતિના નામે પાછલા બારણેથી આવતા વિદેશી ડોલરો, પાઉન્ડ અને રિયાલના નળ કાયમ માટે બંધ થઈ જશે. ડાબેરી ઇકોસિસ્ટમ, કહેવાતા માનવાધિકારવાદીઓ, અમુક વિદેશી મિશનરીઓ અને ખાસ ઈસ્લામિક એનજીઓ જે વિદેશી ટુકડાઓ પર પોતાના રાજકીય એજન્ડા ચલાવે છે, એ તમામની દુકાનો પર કાયમી તાળાં લાગી જશે. એટલે જ અત્યારે બિચારા બનીને સડકો પર ઊતરવાની મજબૂરી ઊભી થઈ છે.
૧૦ ઑક્ટોબર, લોહીના આંસુએ આંદોલન ચલાવવાનો પ્લાન?
આ બિલને ૧૨ ઑક્ટોબર પહેલાં રોકવા માટે હવે ૧૦ ઑક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી છે. ચેતવણી સ્પષ્ટ અને ધારદાર છે કે આ વખતે આ કોઈ સામાન્ય ગાંધી ચીંધ્યા માર્ગનું પ્રદર્શન નથી, પરંતુ સુનિયોજિત રીતે માહોલ બગાડવાની અને રમખાણો ભડકાવવાનું ષડયંત્ર છે.
આ કહેવાતા આંદોલનકારીઓ અને સીજેપી જેવી મંડળીઓ સારી રીતે જાણે છે કે જ્યાં સુધી કોઈ નિર્દોષ લોહી ન વહે, ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય મીડિયામાં ભારતને બદનામ કરવાનો મસાલો મળતો નથી. એટલે જ આગળ કરવામાં આવશે ભોળા યુવાનો અને વિદ્યાર્થીઓને. કાલ સવારે પથ્થરમારો થાય, કોઈ નિર્દોષ વિદ્યાર્થી મુશ્કેલીમાં મુકાય કે હિંસાનો ભોગ બને, એટલે તરત જ આ લોકો છાતી કૂટવા બેસી જશે કે “જુઓ, દેશમાં તાનાશાહી આવી ગઈ.”
અગાઉ ધર્મેન્દ્ર પ્રધાન, હવે જ્ઞાનેશ કુમાર. મહોરાં બદલાય છે, મકસદ નહીં
અગાઉ આ જ ટોળકી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગતી હતી, આજે જ્ઞાનેશ કુમારની પાછળ પડી છે, કાલે કોઈ ત્રીજાનું નામ લેશે. પરંતુ હકીકત એ છે કે એમને કોઈના રાજીનામામાં રસ નથી, રસ માત્ર એટલો જ છે કે સંસદનું શિયાળુ સત્ર ખોરવાય અને વિદેશી ફંડિંગ પર તરાપ મારતું એફસીઆરએ બિલ અટકી જાય.
જે યુવાનો અને સામાન્ય નાગરિકો દેશ બદલવાના ઉત્સાહમાં આવા પ્રદર્શનોમાં ભીડ બનવા જઈ રહ્યા છે, તેમણે એક સવાલ પોતાની જાતને પૂછવો જોઈએ કે શું તમે ખરેખર દેશ માટે લડી રહ્યા છો, કે પછી કોઈના બંધ થતાં વિદેશી બેંક એકાઉન્ટ્સ બચાવવા માટે માત્ર બલિના બકરા બની રહ્યા છો? ૧૦ ઑક્ટોબર પછી બધું સ્પષ્ટ થઈ જશે, પણ ત્યારે પસ્તાવાનો સમય પણ નહીં રહે.


