મુંબઈ, 26 નવેમ્બર 2026: ભારતીય શેરબજારમાં બુધવારે દિવસભરની વધઘટ વચ્ચે અંતે સારી તેજી જોવા મળી હતી. કારોબારના અંતે બીએસઈ સેન્સેક્સ 390 પોઈન્ટ ઉછળીને 84,328.59ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે એનએસઈ નિફ્ટી 65 પોઈન્ટના વધારા સાથે 25,884.50 પર પહોંચી ગયો હતો.
અમેરિકી ટેરિફ (શુલ્ક) સંબંધિત નવી ચિંતાઓને કારણે દિવસ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો, પરંતુ બજાર બંધ થતા સુધીમાં બંને મુખ્ય સૂચકાંકોએ મજબૂતી હાંસલ કરી લીધી હતી. આઈટી શેરોએ સારું પ્રદર્શન કર્યું હતું, જ્યારે મેટલ અને ખાનગી બેંકના શેરોમાં પણ રોકાણકારોએ લેવાલી દાખવી હતી. એસસીએલ ટેક અનેબીએસઈના શેરમાં 6 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે સેક્ટોરલ ઇન્ડેક્સમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું.
-
કયા ક્ષેત્રોમાં રહી તેજી અને ક્યાં જોવા મળી નબળાઈ?
બજારમાં રિયલ્ટી, આઈટી અને મેટલ શેરોએ તેજીની આગેવાની લીધી હતી. આ ઉપરાંત ફાઈનાન્સિયલ સર્વિસિસ, ફાર્મા, હેલ્થકેર અને ઓઈલ-ગેસ શેરો પણ મોટાભાગે પોઝિટિવ ઝોનમાં રહ્યા હતા. બીજી તરફ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો અને સિમેન્ટ શેરોમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું, જ્યારે એફએમસીજી શેરોમાં પણ ઘટાડો નોંધાયો હતો. આ સ્થિતિ દર્શાવે છે કે રોકાણકારો ચોક્કસ સેક્ટરમાં પસંદગીની ખરીદી કરી રહ્યા છે.
-
વૈશ્વિક બજારોનો મિજાજ કેવો રહ્યો?
વૈશ્વિક બજારોમાં પણ સકારાત્મક વલણ જોવા મળ્યું હતું. લંડન સમય મુજબ સવારે 8:29 વાગ્યા સુધીમાં સ્ટોક્સ યુરોપ 600માં 1.4 ટકાનો વધારો થયો હતો. એસએન્ડપી 500 ફ્યુચર્સ અને નાસ્ડેક 100 ફ્યુચર્સ બંને 0.3 ટકા વધીને બંધ રહ્યા હતા, જ્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ ફ્યુચર્સમાં 0.2 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. એશિયાઈ બજારોની વાત કરીએ તો એમએસસીઆઈ એશિયા પેસિફિક ઇન્ડેક્સ 0.9 ટકા અને એમએસસીઆઈ ઇમર્જિંગ માર્કેટ્સ ઇન્ડેક્સ 1.1 ટકા ઉપર રહ્યા હતા.








