ભોપાલ, 26 નવેમ્બર 2026: મધ્યપ્રદેશમાં સરકારી બંગલાઓ પર કબજો જમાવીને બેઠેલા અથવા બંગલા ખાલી કરી ચૂકેલા પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો અને વિવિધ સંસ્થાઓ પર લાખો રૂપિયાનું ભાડું બાકી બોલી રહ્યું છે. રાજ્યના સંપદા સંચાલનાલય દ્વારા 23 મોટા બાકીદારોને નોટિસ ફટકારવામાં આવી છે, જેમની પાસેથી અંદાજે રૂ. 10 કરોડની વસૂલાત કરવાની બાકી છે. વિભાગના જણાવ્યા અનુસાર, અન્ય બાકીદારો સામે પણ વસૂલાતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સરકારી આંકડા મુજબ, નેતાઓમાં સૌથી વધુ બાકી રકમ પૂર્વ મંત્રી અરવિંદ ભદૌરિયા (રૂ.19 લાખ) અને પૂર્વ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર (રૂ.18 લાખથી વધુ) પર છે. આ ઉપરાંત અન્ય પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યો પર પણ લાખો રૂપિયાનું સરકારી આવાસનું ભાડું બાકી છે. ઘણા કિસ્સાઓમાં એવું સામે આવ્યું છે કે નેતાઓએ સરકારી આવાસ ખાલી કરી દીધા હોવા છતાં બાકી ભાડું જમા કરાવ્યું નથી. બીજી તરફ, કેટલાક પૂર્વ જનપ્રતિનિધિઓએ બાકી રકમ અંગે જાણકારી ન હોવાનો બચાવ કર્યો છે.
ભોપાલમાં આવેલા સરકારી બંગલાઓના મોટા બાકીદારોની યાદી સામે આવી છે, જેમાં સ્વ. કૈલાશ જોશી (દીપક જોશી)ના બી-30, ચૌહત્તર બંગલા પર રુ. 32 લાખ, મહાત્મા ગાંધી શિક્ષણ સંસ્થાન (બી-5, સિવિલ લાઇન્સ) પર રુ. 30 લાખ, યોગ આયોગ (શિવાજી નગર 103/283) પર રુ. 25.50 લાખ, પૂર્વ મંત્રી અરવિંદ ભદૌરિયા (બી-20, ચૌહત્તર બંગલા) પર રુ. 19 લાખ, સંઘની સંસ્થા વિદ્યા ભારતી (સી-13, શિવાજી નગર) પર રુ. 18 લાખ અને પૂર્વ સાંસદ પ્રજ્ઞા સિંહ (બી-29, ચૌહત્તર બંગલા) પર રુ. 18 લાખનું ભાડું બાકી છે.
‘કેટલાક નેતાઓ પર સરકારની મહેરબાની કેમ?’: કોંગ્રેસનો પ્રહાર
આ યાદીમાં પૂર્વ મંત્રી મીના સિંહ (બી-27, ચૌહત્તર બંગલા) અને ધારાસભ્ય પ્રભુરામ ચૌધરી (બી-25, ચૌહત્તર બંગલા) પર રુ. 17-17 લાખ, પૂર્વ મંત્રી રામપાલ સિંહ (સી-15, શિવાજી નગર) પર રુ. 16 લાખ, નિવૃત્ત IAS અનુરાધા શંકર (બી-3, સિવિલ લાઇન્સ) પર રુ. 15.50 લાખ, દિલીપ કુમાર કુશવાહ (પ્રોફેસર કોલોની) અને કોંગ્રેસ નેતા મહેન્દ્ર સિંહ ચૌહાણ પર રુ. 15-15 લાખ બાકી છે. આ ઉપરાંત પૂર્વ રાજ્યસભા સાંસદ એલ. મુરુગન (બી-15, ચૌહત્તર બંગલા) પર રુ. 13 લાખ, બહુજન સમાજ પાર્ટી (ડી-15, ચૌહત્તર બંગલા) પર રુ. 9.50 લાખ, પૂર્વ સાંસદ કૃષ્ણ પાલ સિંહ યાદવ (ઈ-8/24, ચાર ઈમલી) પર રુ. 9 લાખ, પૂર્વ ધારાસભ્ય વિજય પાલ સિંહ (ડી-25, ચાર ઈમલી) પર રુ. 5 લાખથી વધુ અને લક્ષ્મણદાસ મહેશ્વરી (વિશ્વ સંવાદ કેન્દ્ર, 100/45) પર રુ.4.25 લાખનું ભાડું બાકી બોલે છે.
આ મામલે મધ્યપ્રદેશ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારીએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે, જો કોઈ સામાન્ય સરકારી કર્મચારી પોતાના સરકારી આવાસનું બિલ ન ભરે તો તેના પર તાત્કાલિક કાર્યવાહી થાય છે અને સામાન્ય નાગરિક વીજ બિલ ન ભરે તો તેની મિલકત જપ્ત કરી લેવાય છે, તો પછી સરકાર આ નેતાઓ પર આટલી કૃપા કેમ વરસાવી રહી છે? પોતાના બંગલાના ભાડા અંગે સ્પષ્ટતા કરતા પટવારીએ જણાવ્યું હતું કે તેઓ હંમેશા સમયસર પોતાના સરકારી બંગલાનું ભાડું ચૂકવી દે છે અને જો કોંગ્રેસના કોઈ નેતાનું ભાડું બાકી હોય તો સરકાર તેમના પર પણ નિયમ મુજબ કાર્યવાહી કરી શકે છે.








