Homeગુજરાતીદેશ-વિદેશUS રાજદૂત સર્જિયો ગોરે 26/11 હુમલાના 166 પીડિતોને આપી શ્રદ્ધાંજલિ

US રાજદૂત સર્જિયો ગોરે 26/11 હુમલાના 166 પીડિતોને આપી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હી, 26 નવેમ્બર 2026: ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે 26/11 મુંબઈ આતંકી હુમલાની વરસી નિમિત્તે આ હુમલામાં જીવ ગુમાવનાર 166 નિર્દોષ લોકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં અમેરિકા મજબૂતીથી ભારતની પડખે ઊભું છે. ઉલ્લેખનીય છે કે આ ભયાનક હુમલામાં માર્યા ગયેલા લોકોમાં છ અમેરિકી નાગરિકોનો પણ સમાવેશ થતો હતો.

રાજદૂત સર્જિયો ગોરે ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટ શેર કરીને મુંબઈની તાજમહેલ પેલેસ હોટલ સ્થિત 26/11 સ્મારકની પોતાની મુલાકાતને યાદ કરી હતી. તેમણે જણાવ્યું કે આ વર્ષની શરૂઆતમાં તેમણે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે ત્યાં પહોંચીને હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી હતી અને ભારતીય સુરક્ષા દળોના અદમ્ય સાહસને સલામ કરી હતી. ગોરે વધુમાં ઉમેર્યું કે આતંકવાદીઓને ન્યાયના કઠેડામાં લાવવા માટે ભારત અને અમેરિકાની કાયદા અમલીકરણ એજન્સીઓ વચ્ચેનો સહયોગ અત્યંત મહત્વપૂર્ણ છે.

નોંધનીય છે કે 26 નવેમ્બર, 2008ની રાત્રે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીઓએ મુંબઈમાં વિવિધ સ્થળોએ એકસાથે હુમલા કર્યા હતા, જે 29 નવેમ્બર સુધી ચાલ્યા હતા. આતંકવાદીઓએ છત્રપતિ શિવાજી ટર્મિનસ (CST) રેલવે સ્ટેશન, લિયોપોલ્ડ કાફે, બે હોસ્પિટલો, નરીમાન હાઉસ, તાજમહેલ પેલેસ અને ઓબેરોય-ટ્રાઈડેન્ટ હોટલને નિશાન બનાવ્યા હતા. ચાર દિવસ સુધી ચાલેલા આ ઓપરેશનમાં 166 લોકોના મોત થયા હતા અને 300 જેટલા લોકો ઘાયલ થયા હતા. સુરક્ષા દળોએ નવ આતંકીઓને ઠાર માર્યા હતા, જ્યારે જીવતા પકડાયેલા આતંકી અજમલ આમિર કસાબને 2010માં મોતની સજા સંભળાવાયા બાદ 2012માં ફાંસી આપવામાં આવી હતી.

ગત મહિને અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ તાજમહેલ પેલેસ હોટલના સુરક્ષા વડા સુનીલ કુડિયાડી સાથે પણ મુલાકાત કરી હતી. 26/11ના હુમલા સમયે હોટલમાં હાજર રહેલા કુડિયાડીએ રુબિયોને તે ભયાવહ રાત અને હોટલમાં ચાલેલા લાંબા બચાવ અભિયાન અંગે પ્રત્યક્ષ માહિતી આપી હતી. આ મુલાકાત પૂર્વે વિદેશ મંત્રી એસ. જયશંકરની ઉપસ્થિતિમાં રુબિયોએ હોટલના 26/11 સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી આતંકવાદ સામે બંને દેશોની સહિયારી પ્રતિબદ્ધતા દોહરાવી હતી.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img