Homeગુજરાતીદેશ-વિદેશસૌરવ દાસ સામે લુક આઉટ સર્ક્યુલર જાહેર, ભારતીય નાગરિકતા પર પણ પડી...

સૌરવ દાસ સામે લુક આઉટ સર્ક્યુલર જાહેર, ભારતીય નાગરિકતા પર પણ પડી શકે છે અસર

નવી દિલ્હી, 26 નવેમ્બર 2026: કોકરોચ જનતા પાર્ટીના સહ-સંયોજક અને પ્રવક્તા સૌરવ દાસને દિલ્હી એરપોર્ટ પરથી યુનાઈટેડ કિંગડમ જતા અટકાવવાના મામલે કેન્દ્ર સરકારે ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ માહિતી આપી છે. કેન્દ્ર તરફથી જણાવવામાં આવ્યું છે કે સૌરવ દાસ વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યું હતું, જેના કારણે તેમને ઇમિગ્રેશન કાઉન્ટર પર રોકવામાં આવ્યા હતા.

કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ જસ્ટિસ અમિત મહાજનની ખંડપીઠ સમક્ષ જણાવ્યું હતું કે દાસના પાસપોર્ટમાં જોવા મળેલી વિસંગતતાઓની અસર તેમની ભારતીય નાગરિકતા પર પણ પડી શકે છે. સ્થાયી વકીલ આશિષ દીક્ષિત સાથે ઉપસ્થિત એડિશનલ સોલિસિટર જનરલ શર્માએ સ્પષ્ટતા કરી હતી કે આ લુક આઉટ સર્ક્યુલર મુંબઈ પોલીસના અનુરોધ પર જારી કરવામાં આવી હતી.

સુનાવણી દરમિયાન કેન્દ્રના વકીલે કોર્ટને માહિતી આપી હતી કે મુંબઈ પોલીસે 23 નવેમ્બરના રોજ સૌરવ દાસ વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર જારી કર્યો હતો. આ સાથે જ તેમને કારણદર્શક નોટિસ પણ પાઠવવામાં આવી હતી, જેનો જવાબ દાસ તરફથી હજુ સુધી આપવામાં આવ્યો નથી. સૌરવ દાસે વિદેશ પ્રવાસ અટકાવવાના સરકારના પગલાને હાઈકોર્ટમાં પડકાર્યો છે. તેમના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે સૌરવ દાસને કોઈપણ લુક આઉટ સર્ક્યુલર જારી થયા અંગે અગાઉથી જાણ કરવામાં આવી ન હતી અને કયા કારણ કે હેતુસર આ સર્ક્યુલર બહાર પડાયું છે તેની પણ માહિતી અપાઈ ન હતી. અરજી મુજબ, 23 નવેમ્બરની રાત્રે દિલ્હી એરપોર્ટ પર કોઈ સ્પષ્ટ કારણ વિના તેમને રોકવામાં આવ્યા હતા.

  • ઓક્સફોર્ડ યુનિવર્સિટીના કાર્યક્રમમાં જવાનું હતું

મળતી માહિતી મુજબ, સૌરવ દાસ ઓક્સફોર્ડ યુનિવર્સિટી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે લંડન જઈ રહ્યા હતા. તેમને ત્યાં ‘કોકરોચ મૂવમેન્ટ’ વિષય પર વ્યાખ્યાન આપવા માટે આમંત્રણ મળ્યું હતું, પરંતુ લંડનની ફ્લાઈટમાં બેસતા પહેલા જ ઇમિગ્રેશન કાઉન્ટર પર તેમને અટકાવી દેવામાં આવ્યા હતા. આ મામલે જસ્ટિસ અમિત મહાજનની ખંડપીઠ સમક્ષ સુનાવણી થઈ હતી. અદાલતે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને સમગ્ર મામલે વિગતવાર જવાબ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે અને કેસની આગામી સુનાવણી 9 ડિસેમ્બર પર મુલત્વી રાખી છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img