નવી દિલ્હી, 21 જાન્યુઆરી 2026: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા વનડે બેટ્સમેનોની તાજી રેન્કિંગ જાહેર કરવામાં આવી છે, જેમાં ભારતીય ક્રિકેટ ચાહકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રન મશીન વિરાટ કોહલી હવે વનડેના નંબર-1 બેટ્સમેન રહ્યા નથી. ભારત સામેની વનડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનાર ન્યૂઝીલેન્ડના વિસ્ફોટક બેટ્સમેન ડેરીલ મિશેલે વિરાટને પછાડીને શિખર સર કર્યું છે.
ભારત સામેની વનડે શ્રેણીમાં 352 રનનો ડુંગર ખડકનાર ડેરીલ મિશેલને આક્રમક બેટિંગનો મોટો ફાયદો મળ્યો છે. ડેરીલ મિશેલ 845 રેટિંગ પોઈન્ટ્સ સાથે હવે વિશ્વના નંબર-1 વનડે બેટ્સમેન બની ગયા છે. અગાઉની રેન્કિંગમાં મિશેલ 794 પોઈન્ટ્સ સાથે બીજા ક્રમે હતા, પરંતુ એક જ શ્રેણીના પ્રદર્શનથી તેમના રેટિંગમાં 51 પોઈન્ટ્સનો બમ્પર ઉછાળો આવ્યો છે.
વિરાટ કોહલીએ માત્ર એક જ અઠવાડિયામાં પોતાનું નંબર-1 નું સ્થાન ગુમાવવું પડ્યું છે. ગયા અઠવાડિયે જ રોહિત શર્માને પાછળ છોડીને વિરાટ ટોચ પર પહોંચ્યા હતા. તાજા રેન્કિંગમાં વિરાટ કોહલીના રેટિંગ પોઈન્ટ્સમાં કોઈ ફેરફાર થયો નથી. તેઓ 795 પોઈન્ટ્સ સાથે હવે બીજા સ્થાને સરકી ગયા છે.
આમ રેટિંગ પોઈન્ટ્સ ઓછા ન થયા હોવા છતાં, મિશેલની શાનદાર રમતને કારણે વિરાટે તાજ ગુમાવવો પડ્યો છે. ક્રિકેટ વિશ્લેષકોના મતે, આગામી શ્રેણીઓમાં વિરાટ કોહલી પાસે ફરીથી નંબર-1 બનવાની તક રહેશે, પરંતુ અત્યારે તો ડેરીલ મિશેલનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે.
આ પણ વાંચોઃ વસુધૈવ કુટુમ્બક કોન્ક્લેવઃ સાર્વભોમત્વ અને વૈશ્વિક વ્યવસ્થા સહિત ચર્ચાને વિદેશ મંત્રાલયનું પણ સમર્થન

