Site icon Revoi.in

ICC T-20 વર્લ્ડકપ: સેમિફાઈનલ મેચ ના રમાય તો ભારતને ફાઈનલમાં કેવી રીતે પ્રવેશ મળશે તે જાણો

Social Share

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપ ચાલી રહ્યો છે અને ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડે સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે પ્રથમ સેમિફાઇનલ મેચ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે 9 નવેમ્બરે રમાશે જ્યારે ભારત 10 નવેમ્બરે એડિલેડમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચો જીતનારી ટીમ 13 નવેમ્બરે રમાનારી ફાઇનલમાં પ્રવેશ કરશે. વર્લ્ડકપમાં આ વખતે સેમિફાઈન અને ફાઈનલ મેચમાં રિઝર્વ દિવસ રાખવામાં આવ્યો છે. જો મેચના દિવસે તથા રિઝર્વ દિવસે વરસાદના કારણે મેચ ના રમાય તો જે તે ટીમ પોતાના ગ્રુપમાં ટોપ ઉપર હશે તેને ફાઈનલમાં પ્રવેશ મળશે.

આ વખતે સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે અને જો વરસાદના સંજોગોમાં નિર્ધારિત દિવસે મેચ નહીં રમાય તો રિઝર્વ ડેમાં રમાશે. બીજી તરફ, જો રમતમાં વરસાદ પડે અને થોડી ઓવર રમાઈ ગઈ હોય, પરંતુ તે દિવસે મેચ પૂર્ણ થઈ શકી ન હોય, તો પછી રિઝર્વ ડેમાં પછીની રમત રમાશે.

આ વખતે સેમિ-ફાઇનલ અને ફાઇનલ મેચમાં ડકવર્થ-લુઇસ નિયમનો ઉપયોગ ત્યારે જ થશે જો બંને ટીમો જેમ ઓછામાં ઓછી 10-10 ઓવર રમી હોય, જો કે, પહેલા પાંચ-પાંચ ઓવરની મેચ બાદ નિર્ણય લેવાતો હતો.

એટલું જ નહીં, જો એવું બને કે વરસાદને કારણે, નિર્ધારિત દિવસ અને રિઝર્વ ડે બંને દિવસ મેચ ન રમાય તો તે કિસ્સામાં જે ટીમ તેમના જૂથમાં ટોચ પર હશે તેને વિજેતા જાહેર કરવામાં આવશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 10 નવેમ્બરે એડિલેડમાં ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યાથી મેચ રમાશે. જો બંને દેશો વચ્ચેની આ મેચ વરસાદના કારણે નિર્ધારિત દિવસે અને રિઝર્વ ડે પર નહીં રમાય તો તે સ્થિતિમાં ભારતને વિજેતા જાહેર કરવામાં આવશે અને તે ફાઇનલમાં પહોંચશે.

ભારતીય ટીમ સુપર 12 મેચમાં કુલ 8 પોઈન્ટ સાથે ગ્રુપ 2માં ટોપ પર હતી જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ગ્રુપ 1માં 7 પોઈન્ટ સાથે બીજા ક્રમે રહી હતી. આવી સ્થિતિમાં, જો વરસાદને કારણે મેચ નહીં રમાય, તો ICCના નિયમો અનુસાર, ભારત તેના ગ્રુપમાં ટોચ પર હોવાને કારણે વિજેતા જાહેર કરવામાં આવશે.