Site icon Revoi.in

ICMR એ ત્રણ સ્વદેશી મેડિકલ ટેકનોલોજી ઉદ્યોગ જગતને સોંપી

Social Share

નવી દિલ્હી, 12 મે 2026: રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 2026 ના અવસરે ભારતની વૈજ્ઞાનિક ક્ષમતાનું ભવ્ય પ્રદર્શન જોવા મળ્યું હતું. નવી દિલ્હી સ્થિત BRIC નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇમ્યુનોલોજી ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં દેશના 14 વૈજ્ઞાનિક મંત્રાલયો અને વિભાગો એક મંચ પર આવ્યા હતા. આ કાર્યક્રમમાં ICMR (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) દ્વારા ભારતની આત્મનિર્ભરતા દર્શાવતી અનેક મેડિકલ ટેકનોલોજીઓ રજૂ કરવામાં આવી હતી.

ICMR એ બાયોફાર્મા, હેલ્થ અને ગ્રીન કેમિકલ્સ ક્ષેત્રે વિકસાવેલી 6 મુખ્ય ટેકનોલોજીનું પ્રદર્શન કર્યું હતું. જેમાં કોવેક્સિન, કોવિડ કવચ ELISA કિટ, CRISPR આધારિત ટીબી (TB) તપાસ પ્રણાલી, નિપાહ ટેસ્ટ કિટ, ડેન્ગ્યુ તપાસ કિટ અને મચ્છર નિયંત્રણ માટે બાયોલાર્વીસાઇડનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમની સૌથી મોટી ઉપલબ્ધિ એ રહી કે ICMR એ તેની ત્રણ મહત્વપૂર્ણ સ્વદેશી મેડિકલ ટેકનોલોજીને વ્યાપારી ઉત્પાદન માટે ખાનગી ઉદ્યોગ જગતને લાયસન્સ દ્વારા સોંપી દીધી છે.

ICMR દ્વારા પ્રોસ્ટેટ કેન્સરના નિદાન માટેની ઓછી કિંમતની ELISA ટેકનોલોજી Krishgen Labs ને સોંપવામાં આવી છે. આવી જ રીતે લોહી જામી જવાની બીમારીની ત્વરિત તપાસ કરતી ‘Point-of-Care’ ડાયગ્નોસ્ટિક ટેકનોલોજી Meril Life Sciences ને ટ્રાન્સફર કરવામાં આવી છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝીકા વાયરસની એકસાથે તપાસ કરી શકે તેવી RT-PCR ટેકનોલોજી Vanguard Life Sciencesને સોંપવામાં આવી છે.

ICMR ના જણાવ્યા અનુસાર, આ પગલાનો મુખ્ય હેતુ દેશમાં સ્વદેશી મેડિકલ સાધનોના ઉત્પાદનને વેગ આપવો અને સામાન્ય જનતા માટે સ્વાસ્થ્ય સુવિધાઓ સસ્તી બનાવવાનો છે. મેડિકલ રિસર્ચને સીધું જ ઉદ્યોગ સાથે જોડીને ભારત હવે હેલ્થકેર ક્ષેત્રે વિદેશી નિર્ભરતા ઘટાડવા તરફ આગળ વધી રહ્યું છે. આ વિજ્ઞાન-ટેક કાર્યક્રમે સાબિત કર્યું છે કે સરકાર, વૈજ્ઞાનિક સંસ્થાઓ અને ઉદ્યોગપતિઓ જ્યારે એકસાથે આવે છે, ત્યારે ‘વિકસિત ભારત’નું લક્ષ્ય વધુ નજીક દેખાય છે. ભારતની આ વૈજ્ઞાનિક તાકાત આગામી સમયમાં વૈશ્વિક સ્તરે દેશની પ્રતિષ્ઠામાં વધારો કરશે.

Exit mobile version