ચેન્નાઈ 2 જાન્યુઆરી 2026 : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા તેને ‘ખરાબ પાડોશી’ ગણાવ્યું છે. આઈઆઈટી (IIT) મદ્રાસના વિદ્યાર્થીઓને સંબોધિત કરતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો કોઈ પાડોશી દેશ જાણીજોઈને અને સતત આતંકવાદને પ્રોત્સાહન આપે છે, તો ભારતને પોતાના નાગરિકોની રક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને ભારત આ અધિકારનો ઉપયોગ કરતા અચકાશે નહીં.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “અમે અમારી રક્ષા માટે શું કરવું અને શું ન કરવું તે કોઈ અમને શીખવી શકે નહીં. અમે અમારા લોકોની સુરક્ષા માટે જે જરૂરી હશે તે બધું જ કરીશું.” 1960ની સિંધુ જળ સંધિ (IWT) અંગે વાત કરતા વિદેશ મંત્રીએ પાકિસ્તાનને અરીસો બતાવ્યો હતો. તેમણે કહ્યું કે, “તમે એવું ન કહી શકો કે મારી સાથે પાણી વહેંચો પણ હું તમારી વિરુદ્ધ આતંકવાદ ચાલુ રાખીશ. આ સમજૂતી શક્ય નથી. જ્યારે દાયકાઓ સુધી આતંકવાદ ચાલુ રહે છે, ત્યારે ‘સારા પાડોશી’ જેવું કંઈ બચતું નથી, અને જો પાડોશી સારો ન હોય તો તેને સંધિના લાભ પણ ન મળી શકે.”
- પાકિસ્તાની સેના પર નિશાન
ગયા મહિને આપેલા નિવેદનને દોહરાવતા જયશંકરે ફરી સંકેત આપ્યો કે ભારતની મોટાભાગની સમસ્યાઓ પાકિસ્તાની સેનાને કારણે છે. તેમણે પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીરના સંદર્ભમાં પરોક્ષ રીતે કહ્યું કે, જેમ ‘સારા આતંકી અને ખરાબ આતંકી’ હોય છે તેમ સૈન્ય નેતાઓમાં પણ સારા અને નરસા તત્વો હોય છે.
આ પણ વાંચોઃ બલૂચિસ્તાનમાં ચીન સેનાને તૈનાત કરશે, બલૂચ નેતાએ વ્યક્ત કરી ભીતિ

