Site icon Revoi.in

લેન્ડ ગ્રેબીંગના કાયદામાં સુધારોઃ જમીન ગ્રાન્ટની અરજી પેન્ડિંગ હશે તો લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહી નહીં થાય

Social Share

ગાંધીનગરઃ રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબીંગ કાયદામાં વિસંગતતાના મુદ્દે હાઈકોર્ટની ટકોર બાદ કાયદામાં સુધારા કર્યો છે. જેમાં આદિવાસી વિસ્તારમાં વન અધિકાર કાયદા હેઠળ જમીન ગ્રાન્ટ કરવાની અરજી પેન્ડીંગ હોય તેવા કિસ્સામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી થઇ શકશે નહીં.તેમજ લેન્ડ ગ્રેબિંગ અંગે થયેલી અરજી સાચી છે કે પ્રાથમિક રીતે જ વ્યર્થ કે અન્ય ઇરાદાથી કરાયેલી છે તે નક્કી કરાશે. આ પ્રકારની વ્યર્થ અરજીઓને કાર્યવાહીની મંજૂરી નહીં અપાય. તેવી જોગવાઇ સાથે સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં સુધારો કરતો વટહૂકમ બહાર પાડ્યો છે.

ગુજરાત લેન્ડ ગ્રેબીંગ (પ્રોહીબીશન) એક્ટ 2020ના થઈ રહેલા દુરોપયોગને અટકાવવા માટે ગુજરાત સરકારે કેટલાક મહત્વના સુધારો કર્યા છે. સરકારે કાયદામાં કરેલા સુધારા મુજબ સરકાર એક એવી ઓથોરિટી બનાવશે જે સ્પેશિયલ કોર્ટની રચના કરશે. લેન્ડ ગ્રેબિંગ અંગે થયેલી અરજી સાચી છે કે પ્રાથમિક રીતે જ વ્યર્થ કે અન્ય ઇરાદાથી કરાયેલી છે તે નક્કી કરશે. આ પ્રકારની વ્યર્થ અરજીઓને કાર્યવાહીની મંજૂરી નહીં અપાય.

હાઇકોર્ટે આપેલા તમામ દિશા નિર્દેશ અંગે આ વટહૂકમમાં સુધારા કરવામાં આવ્યા છે. જે મુજબ કોઇપણ વ્યક્તિને સ્પેશિયલ કોર્ટના આદેશ સામે વાંધો હોય તે હાઇકોર્ટમાં અપીલ કરી શકશે. હાઇકોર્ટ સમક્ષ 30 દિવસમાં અપીલ કરવાની રહેશે. નોંધનીય છે કે રાજ્ય સરકારના વિવાદાસ્પદ લેન્ડ ગ્રેબિંગ એક્ટ સામે થયેલી રીટ પિટીશનમાં હાઇકોર્ટે ફટકાર લગાવતાં આખરે સરકારે હવે નાછૂટકે તબક્કાવાર કાયદામાં સુધારો કરવાની કવાયત હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યસરકારે લેન્ડ કાયદામાં જરૂરી સુધારો કરવાની ગુજરાત હાઈકોર્ટને ખાતરી આપી હતી. જેનો ઉલ્લેખ વટહુક્મમાં કરવામાં આવ્યો છે.

(PHOTO-FILE)