Site icon Revoi.in

રેશનકાર્ડ પર કેરોસિનનું વિતરણ બંધ કરાતા ગરીબ પરિવારોને તહેવારો ટાણે મુશ્કેલી પડશે

Social Share

રાજકોટઃ  સમાજના ગરીબ અને નબળા વર્ગના પરિવારોને રેશનકાર્ડ પર રાહત ભાવે આપવામાં આવતું કેરોસીન હવે સંપૂર્ણપણે બધં કરી દેવામાં આવ્યુ છે.  દર મહિને કેરોસીનની ડીલેવરી જે તે મહિનાના પ્રથમ સપ્તાહમાં  કંડલા અને વડોદરાથી જિલ્લા પુરવઠા નિગમને થતી હોય છે. પરંતુ આ વખતે આ પ્રકારે કોઈ વિતરણ નહીં થાય તેવી સૂચના મળી જતા દિવાળીના તહેવારો ટાણે ગરીબ પરિવારોને મુશ્કેલીઓ પડશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતને ‘સ્મોક ફ્રી’ સ્ટેટ બનાવવાના  ભાગરૂપે  રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત સહિત મહાનગરોમાં છેલ્લા એકાદ વર્ષથી કેરોસીનનું વિતરણ બધં કરી દેવામાં આવ્યું છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં માત્ર બીપીએલ અને અંત્યોદય રેશનકાર્ડ ધારકોને રાહત ભાવે કેરોસીન આપવામાં આવતું હતું. જોકે આમાં રાહત શબ્દ માત્ર નામ પૂરતો રહી ગયો હતો. એક વર્ષ અગાઉ માત્ર 26 રૂપિયાના લીટરના ભાવે મળતું કેરોસીન સતત મોંઘુ કરી દેવામાં આવ્યું હતું અને રશિયા યુક્રેન યુદ્ધ, ક્રૂડના ભાવમાં થઈ રહેલા વધારા, આંતરરાષ્ટ્ર્રીય પરિબળો જેવા પરિબળોને કારણે ભાવમાં સમયાંતરે વધારો કરાતો હતો. ગયા મહિને રાજકોટ જિલ્લામાં એક લીટર કેરોસીનનો ભાવ રૂપિયા 101 કરી દેવામાં આવ્યો હતો. પેટ્રોલના ભાવની લગોલગ કેરોસીનનો ભાવ પહોંચી જતા ગરીબ પરિવારને ચાર લિટર કેરોસીન મેળવવામાં રૂપિયા 400નો ખર્ચ થતો હતો અને તેના કારણે ઉપાડ ઘટી ગયો હતો. ગરીબ પરિવારમાંથી મોટાભાગના છાણાં, લાકડા અને તે પ્રકારના ઈંધણ તરફ વળી ગયા છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગયા મહિને 65 લાખ લિટર કેરોસીન ફાળવવામાં આવ્યું હતું પરંતુ તેમાંથી મોટો જથ્થો પડતર રહેતા જે તે ઓઇલ કંપનીઓને પરત મોકલી દેવાયો છે. કેરોસીનનું વેચાણ હવે થતું નથી તેમ કહીને તાલુકા ઝોનલ ઓફિસરો તરફથી હવે કેરોસીન ન મોકલતા તેવો મેસેજ જિલ્લા તંત્રને મોકલવામાં આવ્યો છે .અને તેને બેઇઝ બનાવીને આ વખતે કેરોસીન કંડલા અને વડોદરાથી મંગાવવાનું બધં કરી દેવાયું છે.

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે. આ વખતે ગરીબ અને નબળા વર્ગના લોકોને રાહત ભાવે સીંગતેલ અને ખાંડનું વિતરણ કરવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સત્તાવાળાઓના જણાવ્યા મુજબ સીંગતેલ રૂપિયા 100ના ભાવે એક લીટર આપવામાં આવશે અને ખાંડ એક કિલોના રૂપિયા 15અને 22 ના ભાવે આપવામાં આવશે. બીપીએલ કાર્ડ ધારકોને રૂપિયા 21 અને અંત્યોદય કાર્ડ ધારકોને રૂપિયા 15 ના ભાવે એક કિલો ખાંડ આપવામાં આવશે. તહેવારો પર ખાંડ અને તેલનું વધારાનું વિતરણ કરવાનું હોવાથી સસ્તા અનાજના વેપારીઓને સમયસર માલ મેળવી લેવા માટે જણાવવામાં આવ્યું છે. (FILE PHOTO)