Site icon Revoi.in

ચોખા પર ગ્લોબલ વોર્મિંગની અસર: ભવિષ્યમાં ચોખા બનશે લક્ઝરી ફૂડ ?

Social Share

નવી દિલ્હી,1 મે 2026: કલ્પના કરો કે એક દિવસ તમારી થાળીમાંથી ભાત (ચોખા) સંપૂર્ણપણે ગાયબ થઈ જાય અથવા તેની કિંમત એટલી વધી જાય કે તે માત્ર ધનિકો જ ખરીદી શકે. આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પરંતુ વૈજ્ઞાનિકોની ગંભીર ચેતવણી છે. દુનિયાની અડધાથી વધુ વસ્તીનું પેટ ભરનાર ચોખા હવે ગરમી સહન કરવાની તેની છેલ્લી મર્યાદા પર પહોંચી ગયા છે. ફ્લોરિડા મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રીના નવા સંશોધને વિશ્વભરમાં ખળભળાટ મચાવી દીધો છે. ચોખાની ખેતીનો ઇતિહાસ આશરે 7000 થી 9000 વર્ષ જૂનો છે, જેની શરૂઆત ચીનની યાંગ્ત્ઝી નદીની ખીણમાંથી થઈ હતી. હજારો વર્ષોની સફરમાં ચોખાએ પોતાને ઠંડા અને ગરમ બંને વિસ્તારોમાં ઢાળ્યા છે, પરંતુ હવે ગ્લોબલ વોર્મિંગે તેની સામે એવી દીવાલ ઉભી કરી દીધી છે કે જેને ઓળંગવી અશક્ય જણાય છે.

803 પુરાતત્વીય સ્થળોના ડેટા અને સેટેલાઇટ તસવીરોના વિશ્લેષણ બાદ રિસર્ચમાં સામે આવ્યું છે કે, છેલ્લા 9000 વર્ષોમાં એવા કોઈ વિસ્તારમાં ચોખાની સફળ ખેતી થઈ નથી જ્યાંનું વાર્ષિક સરેરાશ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસથી વધુ હોય. જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જાય છે, ત્યારે ચોખાના છોડમાં ‘હીટ સ્ટ્રેસ’ શરૂ થાય છે, જે બિલકુલ માણસોને લાગતી લૂ (હીટ સ્ટ્રોક) જેવું જ છે. અત્યંત ગરમીને કારણે છોડમાં પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા અટકી જાય છે અને દાણા ભરાવવાના સમયે તે ખોખલા રહી જાય છે.

ભારત વિશ્વમાં ચોખાનો બીજો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસમાં પ્રથમ ક્રમે છે. ભારત માટે ચોખા માત્ર ખોરાક નથી, પરંતુ અર્થતંત્રનો આધાર છે. વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે આગામી 50 વર્ષમાં ઉત્તર અને મધ્ય ભારતમાં તાપમાન 40 ડિગ્રીની ખતરનાક સપાટી વટાવી જશે. જો પેદાશ ઘટશે તો સૌથી પહેલા ભારતની ખાદ્ય સુરક્ષા જોખમાશે અને સરકારે નિકાસ પર રોક લગાવવી પડશે, જેનાથી વૈશ્વિક બજારમાં કિંમતો આસમાને પહોંચશે.

જો મેદાની વિસ્તારોમાં ગરમી વધશે, તો ખેડૂતોએ નાછૂટકે ડાંગર ઉગાડવા માટે ઠંડા પહાડી વિસ્તારો તરફ વળવું પડશે. પરંતુ પ્રશ્ન એ છે કે શું પહાડો પર એટલી જમીન ઉપલબ્ધ છે? આ સિવાય ઇન્ડોનેશિયા અને મલેશિયા જેવા દેશો પર સમુદ્રની વધતી સપાટી અને ખારા પાણીનું જોખમ પણ તોળાઈ રહ્યું છે. નિષ્ણાતોના મતે, જો ઉત્પાદનમાં મોટો ઘટાડો થશે, તો ચોખા સામાન્ય માણસની પહોંચની બહાર જઈને ‘લક્ઝરી ફૂડ’ બની જશે. આ ચેતવણી સમયસર જાગી જઈને ક્લાયમેટ ચેન્જ સામે પગલાં લેવા માટેનો આખરી કોલ છે.

Exit mobile version