Site icon Revoi.in

ઈરાન-ઈઝરાયેલ જંગની ભારત પર અસર: કેન્દ્રીય ગૃહ મંત્રાલયની એડવાઈઝરી

Social Share

નવી દિલ્હી, 2 માર્ચ 2026: મધ્ય પૂર્વ એશિયામાં ફાટી નીકળેલા યુદ્ધ અને અમેરિકા-ઈઝરાયેલના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈના મોતના સમાચારથી વિશ્વભરની સાથે ભારતમાં પણ તણાવની સ્થિતિ સર્જાઈ છે. આ ગંભીર ઘટનાક્રમને પગલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપી છે.

ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલ પત્રમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરની આ ઘટનાની અસર ભારતના વિવિધ ભાગોમાં જોવા મળી શકે છે. મંત્રાલયે આદેશ આપ્યા છે કે, જે વિસ્તારોમાં ઈરાનના સમર્થન કે વિરોધમાં પ્રદર્શનો થવાની શક્યતા છે ત્યાં વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવી.  તેમજ અફવાઓ અને ભડકાઉ પોસ્ટ ફેલાવતા અસામાજિક તત્વો પર કડક નજર રાખવી. આ ઉપરાંત સ્થાનિક ઇન્ટેલિજન્સ યુનિટ્સને સક્રિય કરી શંકાસ્પદ ગતિવિધિઓ પર વોચ રાખવી.

ખામેનેઈના મોત બાદ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ભારે પડઘા પડ્યા છે. અનેક વિસ્તારોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને અમેરિકા-ઈઝરાયેલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા શ્રીનગરના સંવેદનશીલ વિસ્તારોમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવાઈ છે. આ ઉપરાંત તમામ શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તેમજ જાહેર મિલકતોને નુકસાન પહોંચાડનારા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહીની ચીમકી અપાઈ છે.

કેન્દ્ર સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય સંઘર્ષની અસર ભારતના કોમી સૌહાર્દ પર ન પડવી જોઈએ. સરકારની પ્રાથમિકતા દેશમાં શાંતિ જાળવવાની છે. અસામાજિક તત્વો પ્રદર્શનોની આડમાં હિંસા ન ભડકાવે તે માટે વહીવટી તંત્રને ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવવા જણાવાયું છે.

આ પણ વાંચોઃ તાલિબાનીઓ ડ્યુરન્ડ લાઇન ઓળંગી પાક.માં ઘૂસ્યા, નૂર ખાન એરબેઝ પર ભીષણ હુમલો

Exit mobile version