Site icon Revoi.in

ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનો અમલ, 4 વર્ષે ગ્રેજ્યુએટ ઓનર્સ, માસ્ટર ડિગ્રી 1 વર્ષે મેળવી શકાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાત સરકારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલની નવા શૈક્ષણિક સત્રથી જાહેરાત કર્યા બાદ મંગળવારે તેનું નોટિફેકેશન પણ જાહેર કરી દીધું છે. રાજ્યની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં પણ એક સાથે તેનો અમલ કરાશે. અભ્યાસનું માળખું, ગ્રેજ્યુએશનના ચાર વર્ષ અને મોસ્ટર ડિગ્રી કોર્ષ એક વર્ષનો રહેશે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ જ સક્રિય રીતે નવા શૈક્ષણિક વર્ષથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) – 2020નું અમલીકરણ થઇ રહ્યું છે. NEP- 2020ના ભાગરૂપે UGC નોટીફીકેશન નં. F. No:1-1/2021(QIP)(CBCS), 12 ડિસેમ્બર,2022 અનુસાર ગુજરાતની તમામ ખાનગી અને સરકારી યુનિવર્સિટીઓમાં, કોલેજોમાં તથા માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં બહુવિદ્યાશાખાકીય પૂર્વ સ્થાનતક શિક્ષણનું નિર્માણ કરવાનું થાય છે. આ બહુવિદ્યાશાખાકીય માળખામાં, યુજી સર્ટીફીકેટ, યુજી ડીપ્લોમા, ત્રણ વર્ષનો ડીગ્રી પ્રોગ્રામ જેમાં સ્નાતક કક્ષાની ઓનર્સ ડીગ્રી,  સ્નાતક કક્ષાની ઓનર્સ, તથા સ્નાતક રીસર્ચ કક્ષાની ડીગ્રીઓ, એનાયત કરવામાં આવશે. આ માળખામાં મેજર (કોર) મુખ્ય પાઠ્યક્રમ નિયત કરાયો છે. ગૌણ વિષયમાં માઇનર ઈલેકટીવ, મલ્ટીડિસિપ્લીનરી (બહુવિદ્યાશાખાકીય), સંલગ્ન સબંધિત કોર્સિસનું બાસ્કેટ પણ રેહશે. આ ઉપરાંત વિદ્યાર્થી સમર ઇન્ટર્નશિપ કોર્સિસથી 4 ક્રેડિટ પ્રાપ્ત કરી શકશે. વિદ્યાર્થી ત્રણ વર્ષ પછી સ્નાતક, ચાર વર્ષના અભ્યાસ પછી સ્નાતક ઓનર્સ અથવા સ્નાતક ઓનર્સ વિથ રીસર્ચની ડીગ્રી નિયત ક્રેડીટ પ્રાપ્ત થતાં મેળવી શકશે.

શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ ચાર વર્ષની સ્નાતક ઓનર્સ/ રીસર્ચ ડીગ્રી મેળવશે, તેમણે પોસ્ટ ગ્રેજયુએટ ડીગ્રી માટે માત્ર એક જ વર્ષ અભ્યાસ કરવાનો રહેશે. શૈક્ષણિક જૂન 15 થી શરૂ કરી વર્ષ 2023-24 થી ત્રણ/ ચાર વર્ષનો ડીગ્રી પ્રોગ્રામ લાગુ કરવાનો રહેશે. જયારે ચોથા વર્ષનો ઓનર્સ/ ઓનર્સ વિથ રીસર્ચ પ્રોગ્રામ (લેવલ-૦6) શૈક્ષણિક વર્ષ 2026-27થી લાગુ થશે. તમામ વિદ્યાર્થીઓની ક્રેડીટ અને રેકગ્નિશન ક્રેડીટ એક્યુમ્યુલેશન, ક્રેડીટ ટ્રાન્સફર અને ક્રેડીટ રીડેમ્શનની સિસ્ટમ દ્વારા થશે. જેમાં વિદ્યાર્થી પોતાની મૂળભૂત સંસ્થા/ યુનિવર્સિટી દ્વારા અન્ય યુજીસી માન્ય સંસ્થાઓ પાસેથી ક્રેડીટ એકત્રિત કરી એકેડેમિક બેંક ઓફ ક્રેડીટ(ABC) માં એકત્રિત ક્રેડીટના આધારે, નિયત મર્યાદા, નિયમો અનુસાર, વિવિધ વિષયો સાથે ડીગ્રી પ્રાપ્ત કરી શકશે. અત્યારે કોલેજો/ યુનિવર્સિટીઓમાં વિષયનાં જે માળખાં છે, તે વિદ્યાર્થીને નિયત સ્વરૂપમાં જ પસંદગી આપે છે, નવી શિક્ષણનીતિમાં આ મર્યાદાઓ દૂર થાય છે અને વિદ્યાર્થી પોતાની પસંદગી અનુસાર વિવિધ વિષયો નિયત બાસ્કેટમાંથી કે અન્ય યુનિવર્સિટીના વિષયોના બાસ્કેટમાંથી પસંદગી કરી શકશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, કોઈપણ વિદ્યાર્થી એન્ટ્રી/ એક્ઝીટ અન્વયે પ્રથમ વર્ષને અંતે નિયત ક્રેડીટ/ સ્કિલના આધારે સર્ટીફિકેટ, બીજા વર્ષને અંતે ડીપ્લોમા પ્રાપ્ત કરી સંજોગો અનુસાર રોજગારી માટે જઈ શકશે અને ફરી નિયત સમય મર્યાદામાં પુનઃ અભ્યાસ માટે પરત આવી શકાશે. વિદ્યાર્થી સિંગલ મેજર તેમજ ડબલ મેજર સાથે ડીગ્રી પ્રાપ્ત કરી શકે તેવી પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. ડ્રાફ્ટમાં જણાવ્યા મુજબ વિદ્યાર્થી ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ મોડ પરના કોર્સિસ પણ પસંદ કરી ૪૦% સુધી ક્રેડીટ મેળવવાનું પસંદ કરી શકે છે.

તદાનુસાર પ્રતિ સેમેસ્ટર 22 ક્રેડીટનું માળખું નક્કી કરવામાં આવેલા છે. આમ, વિદ્યાર્થીઓ ત્રણ વર્ષના અંતે કુલ 132 અને ચાર વર્ષના અંતે કુલ 176 ક્રેડીટ પ્રાપ્ત કરી શકશે. ઉક્ત તમામ સૂચનો ધ્યાનમાં લઈ શિક્ષણ વિભાગ શૈક્ષણિક વર્ષ 2023-24 માં કોમન કરીક્યુલમ અને ક્રેડીટ ફ્રેમવર્કનો સરકારી ઠરાવ બહાર પાડશે,  આ ડ્રાફ્ટ તા. 08-06-2023 થી તા. 14-06-2023 સુધી ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ/ કોલેજો/ વાઈસ ચાન્સેલરો/ આચાર્યો/ અધ્યાપકો/ અન્ય તમામ પ્રજાજનો માટે વિવિધ શૈક્ષણિક સંગઠનો અને વિદ્યાર્થી સંગઠનો સમક્ષ સરકારના શિક્ષણ વિભાગ માટે જાહેરમાં મુકવામાં આવેલ હતો. જેમાં 47 સ્ટેકહોલ્ડર્સ પાસેથી કુલ 197  સૂચનો પ્રાપ્ત થયા છે. જેને ધ્યાને લેતાં કોમન કરીક્યુલમ અને ક્રેડીટ ફ્રેમવર્કનો સરકારી ઠરાવ આખરી કરી તા. 11 જુલાઈ, 2023 ના રોજ જાહેર કરવામાં આવે છે. આ જી.આર. પ્રમાણેની શિક્ષણ વ્યવસ્થાનો અમલ 15મી મી જૂન 2023 થી પ્રવેશ મેળવનારા તમામ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ એટલે કે પ્રથમ વર્ષથી શરૂ થશે. (File photo)