Site icon Revoi.in

કોંગ્રેસ વિના નરેન્દ્ર મોદીને ચૂંટણીમાં પરાસ્ત કરવા અશક્યઃ શિવસેના

Social Share

દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દેશમાં કોંગ્રેસને સાઈડલાઈન કરીને અન્ય નાના-નાના પક્ષો સાથે મળીને નવો મોરચો ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમજ તાજેતરમાં તેઓ દિલ્હીના પ્રવાસ બાદ મુંબઈના પ્રવાસે ગયા હતા. જ્યાં તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સહિતના નેતાઓ સાથે બેઠક કરી હતી. જો કે, શિવસેના મમતા બેનર્જીના આ પ્રયાસથી ખુશ નહીં હોવાનું મનાઈ રહ્યું છે દરમિયાન શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના તંત્રલેખમાં કોંગ્રેસને અલગ કરીને નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડી ન શકાય તેમ લખ્યું છે.

શિવસેનાએ તંત્રી લેખમાં લખ્યું છે કે, કોંગ્રેસને રાષ્ટ્રીય રાજનીતિથી દૂર રાખીને રાજનીતિ કરવીએ વર્તમાન ‘ફાસીવાદી’ શાસનના વલણને પ્રોત્સાહન આપવા જેવું છે. શિવસેનાએ એમ પણ લખ્યું છે કે કોંગ્રેસ સાથે મતભેદો હોય તો પણ યુપીએના વાહનને આગળ લઈ જવુ જોઈએ. સામનાના તંત્રીલેખમાં શિવસેનાએ લખ્યું છે કે મમતા બેનર્જીની મુંબઈ મુલાકાતને કારણે વિપક્ષી પાર્ટીઓમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. ભારતીય જનતા પાર્ટીની સામે મજબૂત વિકલ્પ ઊભો કરવો કે કેમ તે અંગે સર્વસંમતિ સધાઈ છે, પરંતુ કોને કોને સાથે લેવો કે કોને બહાર રાખવા તે મુદ્દે વિપક્ષમાં હજુ પણ વિવાદ ચાલી રહ્યો છે. જો વિપક્ષી એકતાનો કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવવામાં ન આવે તો ભાજપને સધ્ધર વિકલ્પ આપવાની વાત કોઈએ ન કરવી જોઈએ.

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી વાઘણની જેમ લડ્યા અને જીતી ગયા. બંગાળની ધરતી પર તેમણે ભાજપને પરાસ્ત કરવાનું કામ કર્યું છે. મમતાએ મુંબઈ આવીને રાજકીય બેઠક કરી છે. મમતાની રાજનીતિ કોંગ્રેસલક્ષી નથી. પશ્ચિમ બંગાળમાંથી તેમણે કોંગ્રેસ, ડાબેરીઓ અને ભાજપનો સફાયો કર્યો. આ સાચું છે, છતાં કોંગ્રેસને રાષ્ટ્રીય રાજનીતિથી દૂર રાખીને રાજકારણ કરવું એ વર્તમાન ‘ફાસીવાદી’ શાસનના વલણને વેગ આપવા જેવું છે. મોદી અને તેમની વૃત્તિ સામે લડનારાઓ માટે કોંગ્રેસનો અંત આવે તે સૌથી ગંભીર ખતરો છે.

સામનામાં લખવામાં આવ્યું હતું કે, ‘છેલ્લા દસ વર્ષમાં કોંગ્રેસ પાર્ટીની પીછેહઠ ચિંતાજનક છે. આમાં બે મત હોઈ શકે નહીં. જો કે, કોંગ્રેસની જગ્યા આપણે લેવી, આ મનસુબો ધાતક છે.  કોંગ્રેસની કમનસીબી એવી છે કે જેમને કોંગ્રેસમાંથી જીવનભર સુખ અને સત્તા મળી છે તેઓ કોંગ્રેસનું ગળુ દબાવી રહ્યાં છે.

(PHOTO-FILE)