Site icon Revoi.in

અમદાવાદમાં સી ફોર્મ મુદ્દે તબીબોએ રેલી યોજીને મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર આપ્યું

Social Share

અમદાવાદઃ શહેરના ખાનગી હોસ્પિટલોના તબીબો સી-ફોર્મના મુદ્દે મ્યુનિ.કોર્પોરેશન સામે આંદોલન કરી રહ્યા છે. પરંતુ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો મચક આપતા નથી. ત્યારે  અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) અને અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિએશન (AHNA) દ્વારા ફરી એકવાર સી ફોર્મ મુદ્દે રેવી યોજીને મ્યુનિ.કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું તેમજ મ્યુનિ.ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજુઆત કરવામાં આવી હતી.

અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોના તબીબોનું ઘણા સમયથી સી-ફોર્મના મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે. શહેરમાં ઘણીબધી હોસ્પિટલો વર્ષો જુની છે. વર્ષોથી એક જ બિલ્ડિંગમાં કાર્યરત છે. તે વખતે બીયુ પરમિશન લીધુ નહતું. કારણ કે તે વખતે બીયુ પરમિશન બિલ્ડરો લેતા જ નહતા. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પણ ખાનગી હોસ્પિટલો પાસે બીયુ પરમિશન નહોવા છતાં સી-ફોર્મ રિન્યું કરી આપવામાં આવતું હતું  આ પ્રથા વર્ષોથી ચાલી આવતી હતી. દરમિયાન એક ખાનગી હોસ્પિટલમાં આગની આકસ્મિક ઘટના બન્યા બાદ મ્યુનિ,ના સત્તાધિશોએ ખાનગી હોસ્પિટલો પાસે બિલ્ડિંગ યુઝ પરમિશન હોય તો જ સી-ફોર્મ રિન્યું કરવાનો નિયમ બનાવ્યો છે. જેથી ઘણીબધી ખાનગી હોસ્પિટલો સી-ફોર્મ રિન્યુ ન કરવાને મામાલે બંધ કરવી પડે તેવી સ્થિતિ છે. આથી ખાનગી હોસ્પિટલના તબીબો સી-ફોર્મ રિન્યુ કરવા માટે માગણી કરી રહ્યા છે.   ખાનગી હોસ્પિટલોના તબીબો રેલી કાઢીને મ્યુનિ,કોર્પોરેશનની કચેરી ગયા હતા. જ્યાં  ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર હાજર ન હોવાથી ઈન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર સી. આર ખરસાણને આવેદનપત્ર આપ્યું હતું. તબીબોએ માગ કરી હતી કે, સી ફોર્મમાં બીયુ પરમિશનનો કાયદો રદ કરી દેવામાં આવે. આવેદનપત્ર આપી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટને મળીને પણ રજૂઆત કરી હતી. તેમને પણ ડોકટરોને આશ્વાસન આપી અને મુખ્યમંત્રીને રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું

શહેરના ખાનગી હોસ્પિટલના તબીબો દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી રેલી લઈ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ દાણાપીઠ ખાતે પહોંચ્યા હતા. કોર્પોરેશન ઓફિસમાં ડોક્ટરોએ રામધૂન બોલાવી હતી. ડોક્ટરોએ સી ફોર્મ મુદ્દે અનેક વાર રજૂઆત કરી હતી અને ત્રણ-ત્રણ વાર આવેદનપત્ર આપવા છતાં પણ માત્ર આશ્વાસન જ મળે છે. જેથી ફરી એકવાર સાબરમતી રિવરફ્રન્ટથી કોર્પોરેશનની મુખ્ય કચેરી સુધી બાઇક રેલી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આશરે 100 જેટલા ડોક્ટરો બાઇક અને ગાડી લઇને રેલી કરી હતી. કોર્પોરેશનની મુખ્ય કચેરી દાણાપીઠમાં ઈન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.