Site icon Revoi.in

અમદાવાદમાં કાંકરિયા ઝૂના પ્રાણીઓને દત્તક લેનારાઓની સંખ્યામાં થયો ઘટાડો

Social Share

અમદાવાદઃ  શહેરના કાંકરિયા ઝૂની મોટી સંખ્યામાં લોકો મુલાકાતે આવે છે. ઉનાળાની અસહ્ય ગરમીમાં પ્રાણીઓ અને પક્ષીઓને ઠંડક મળી રહે તે માટેની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.1951માં પ્રાણીસંગ્રહાલય બન્યા બાદ એકપણ વખત પાંજરાં બદલવામાં આવ્યાં નથી, જેથી 71 વર્ષ બાદ પ્રાણીસંગ્રહાલયના પાંજરાં બદલવા અને એના રિનોવેશનની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરમાં દાતાઓ પ્રાણીઓને દત્તક લે તે માટેની યોજના અમલમાં મુકવામાં આવી છે. જ્યારે આ યોજના શરૂ કરવામાં આવી ત્યારે દાત્તાઓની સંખ્યા વધુ હતી. પણ હવે દાત્તાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. કાંકરિયામાં ફ્રેન્ડ્સ ઓફ ઝૂ યોજના હેઠળ છેલ્લા એક વર્ષમાં માત્ર 25 પ્રાણીઓ દત્તક લેવામાં આવ્યાં છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદ શહેરમાં કાંકરિયા ઝૂમાં પ્રાણીઓને દત્તક આપવાની યોજના વર્ષો પહેલા અમલી બનાવવામાં આવી હતી. દાત્તાઓ ઝૂમાં રખાયેલા દત્તક લીધેલા પ્રાણીનો ખર્ચ ઉઠાવતા હતા. છેલ્લા 16 વર્ષથી ફ્રેન્ડસ ઓફ ઝૂ યોજના હેઠળ કાંકરીયા ઝૂમાં રાખવામાં આવેલા પશુ-પક્ષીઓ દત્તક આપવામાં આવી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં માત્ર 25 પ્રાણી દત્તક લેવામાં આવ્યા હતા.દેશના અન્ય રાજયોના શહેરોમાં આવેલા ઝૂમાં રાખવામાં આવતા પશુ-પક્ષીઓના આખા વર્ષનો ખાધાખોરાકી ખર્ચ બેન્ક તથા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ઉપાડી લેવામાં આવે છે. કાંકરીયા ઝૂમાં રાખવામાં આવેલા 1900 જેટલા પશુ-પક્ષીઓને દત્તક આપવા 2006-07ના વર્ષથી ફ્રેન્ડસ ઓફ ઝૂ યોજના શરૂ કરાઈ હતી. લોકોમાં પશુ-પક્ષીઓને લઈ જાગૃતિ કેળવાય એ હેતુથી શરુ કરાયેલી યોજના હેઠળ કેટલાક વર્ષમાં પશુ-પક્ષીને દત્તક લેનારાઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઝૂમાં રાખવામાં આવેલા તમામ પશુ-પક્ષીઓના ખાધાખોરાકીની જવાબદારી કોરોના મહામારીના સમયમાં પણ સુપેરે પાર પાડી હતી. 2021-22માં કુલ 25 પ્રાણી દત્તક લેવામાં આવતા ઝૂને આ પેટે 5.33 લાખની આવક થવા પામી હતી. ફ્રેન્ડઝ ઓફ ઝૂ યોજના હેઠળ રીંછ ઉપરાંત કંચનમૃગ, શાહુડી, હાથણી, ઝરખ, સસલા ઉપરાંત પક્ષીઓમાં મોર, લવબર્ડ, સફેદ ડવ, સફેદ મોર, ઘુવડ, બજરીગર, ગીધ તથા સરિસૃપમાં ટોરટોઈઝ, નાગ, અજગર અને ટરટલ જેવા પ્રાણીઓ દત્તક લેવામાં આવી રહ્યા છે.