Site icon Revoi.in

અમદાવાદમાં વ્યાજખોરોના ચૂંગાલમાંથી છોડાવવા પોલીસે 1100 ફેરિયા માટે લોન વ્યવસ્થા કરી આપી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વ્યાજખોરોના ચુંગાલમાં અનેક લોકો ફસાયા છે. વ્યાજખોરો સામે પોલીસે ઝૂંબેશ આદરીને દરેક જિલ્લાઓમાં લોક દરબાર યોજીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ઘણા વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ઘકેલી દેવામાં આવ્યા છે. દરમિયાન અમદાવાદ શહેરમાં વ્યાજખોરોના ચુંગલમાંથી ફેરિયાઓને મુક્ત કરાવ્યા બાદ પોલીસે તેમને ધંધા રોજગાર માટે લોન અપાવવા 3 દિવસનો લોક મેળો યોજ્યો હતો, જેના પહેલા જ દિવસે  5000 ફેરિયાઓ પોલીસના લોકમેળામાં લોન લેવા આવ્યા હતા. જેમાંથી 1100 ફેરિયાના આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક હોવાથી તે તમામના લોનના ફોર્મ ભરીને લોનની પ્રોસેસ શરૂ કરી દેવામાં આવી છે. જો કે આ યોજના હેઠળ દરેક ફેરિયાને પહેલી વખત રૂ.10 હજારની લોન મળશે. જેથી પહેલા જ દિવસે 11 કરોડની લોન માટે પ્રક્રિયા શરુ થઇ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના ફેરિયાઓને બેંકમાંથી સરળતાથી લોન મળી રહે તે માટે મ્યુનિ.ના યુડીસી ડિપાર્ટમેન્ટ અને બેંકો સાથે મળીને પોલીસે લોક દરબાર યોજવાનું શરુ કર્યુ હતુ. 3 દિવસ પોલીસ સામેથી ફેરિયાને લોન આપશે.શનિવારે શહેરના 48 પોલીસ સ્ટેશન તેમજ ટ્રાફિકના 12 પોલીસ સ્ટેશન મળીને 60 પોલીસ સ્ટેશનના અધિકારીઓએ લોક દરબાર યોજ્યો હતો. આ વિશે ડીસીપી ભારતી પંડયાએ જણાવ્યું હતુ કે, પહેલા જ દિવસે જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારના લોક દરબાદમાં 5000 ફેરિયા લોન લેવા આવ્યા હતા. જેમાંથી 1100 ફેરિયાના બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લીંક હતા તેમજ તેમની પાસે બેંકની પાસબુક પણ હતી. જેથી તેમની લોનની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. જેથી દરેક ફેરિયાને આ બંને વસ્તુ સાથે લઈને આવવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. લોનની પ્રક્રિયા માટે ફેરિયાનું બેંક એકાઉન્ટ આધાર કાર્ડ સાથે લીંક હોવું જોઈએ અને તેમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર્ડ કરાવ્યો હોય તે લોન લેનારે સાથે લઈને આવવું. આ ઉપરાંત પાસબુક પણ સાથે લઈને આવવું. જો આટલું હશે તો માત્ર લોનનું ફોર્મ ભરવાથી પ્રક્રિયા શરૂ થઈ જશે.

​​​​​​​