Site icon Revoi.in

અમદાવાદમાં એસ.જી હાઈવેથી એરપોર્ટ સુધીનો રસ્તો ડસ્ટ ફી બનાવાશે

Social Share

અમદાવાદઃ CREDAIની સ્થાપનાના 43 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે આયોજિત ‘પાથ ટુ પ્રાઈડ’માં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું કે, આજે સરકારની સક્રિયતાથી ગુજરાતમાં વ્યાપક પરિવર્તનો થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થવા બદલ સરકારની સાથે બિલ્ડર્સનું યોગદાન પણ વધાવવા જેવું છે. આજે સરકારના પ્રોત્સાહક અભિગમ હેઠળ વિકાસ કાર્યમાં મહેસૂલી અને પ્લાન પાસિંગ માટે આવતા અવરોધોને ઘટાડવા અને ઝડપ લાવવા માટે કામ થઈ રહ્યું છે. અમદાવાદના એસ.જી. હાઇવેથી એરપોર્ટ સુધીના રસ્તાને ડસ્ટ ફ્રી બનાવવાનું આયોજન હાથ ધરાયું છે.

તેમણે જણાવ્યું કે, તમામ ક્ષેત્રોમાં અગ્રેસર ગુજરાત સુધારાત્મક પગલાં લેવામાં પણ પાછળ નથી. ધૂળમુક્ત રસ્તાઓ બનાવવા માટે પણ આયોજન થઈ રહ્યું છે. સુરતના એરપોર્ટ રોડની જેમ અમદાવાદના એસ.જી. હાઇવેથી એરપોર્ટ સુધીના રસ્તાને ડસ્ટ ફ્રી બનાવવાનો સરકારનો લક્ષ્યાંક છે. સાથોસાથ મૂડીલક્ષી રોકાણની સાથે મેઇન્ટેનન્સ ખર્ચમાં ચોક્કસાઈ લાવવા માટે પણ સરકાર પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે રાજ્યભરના 250 જેટલા પોલીસ મથકોને આઇડેન્ટિફાઈ કરાયા છે. જ્યાં કોમર્શિયલ સુવિધાઓ ઊભી કરી તેના ભાડાની આવકમાંથી પોલીસ સ્ટેશનના મેઇન્ટેનન્સનો ખર્ચ અર્જિત થાય તેવું આયોજન કરવામાં આવશે. સાથોસાથ નજીકના દિવસોમાં પોલીસમથક અને બસ સ્ટેશન જેવા જાહેરસ્થળો પર પાણી બચાવવા અસરકારક અભિયાન શરૂ કરવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું.

હર્ષ સંઘવીએ કહ્યું કે, સમસ્યાઓના ઉકેલ શોધવા માટે યુવાનો આગળ આવે તે જરૂરી છે. તેના માટે સરકાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરી રહી છે. જેનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, એસ.જી.હાઇવે પર અકસ્માત અને તેનાથી થતી ખુવારી ઘટાડવા માટે વિદ્યાર્થીઓ સાથે મળી એક પ્રયોગ કરવામાં આવ્યો. રસ્તાઓ ડાર્ક સ્પોટ પર મૂકવામાં આવેલા સાઈનબોર્ડના અંતરમાં ફેરફાર કરીને 60% જેટલા અકસ્માતો ઘટાડી શકાય તેમ છે. તેવું તારણ સામે આવ્યું. આ ઉપરાંત બિલ્ડિંગની બહાર નીકળતી વખતે અકસ્માતો વધુ પ્રમાણમાં થાય છે. તેને ઘટાડવા માટે સરકાર વિવિધ પ્રયાસો કરી રહી છે. ત્યારે બાંધકામમાં પરિવર્તન કરી અકસ્માત ઘટાડી શકાય તેમ છે. આ કાર્યમાં બિલ્ડર્સ સહકાર આપશે તેવી અપેક્ષા પણ મંત્રીએ વ્યક્ત કરી હતી.

હર્ષ સંઘવીએ કહ્યું કે, લેન્ડ કેસીસમાં પોલીસ ઓછામાં ઓછી સંકળાય અને મોટા બનાવો તથા મુશ્કેલીઓ સર્જાતી અટકે તે માટે ગૃહ વિભાગ પણ કાર્યરત છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રે ઓછામાં ઓછી તકલીફ પડે તે માટે સરકાર કટિબદ્ધ છે. પ્રશ્નો અને સાચી જાણકારી સરકાર સુધી પહોંચાડવા તેમણે ઉપસ્થિત લોકોને અપીલ પણ કરી. સાથોસાથ વિકાસમાં યોગદાન અને નાગરિકોને રોજગારી આપવા બદલ બિલ્ડર્સને અભિનંદન આપ્યા. આ ઉપરાંત સાઇટ્સ પર કામ કરતા મજૂરોના સંતાનોના અભ્યાસ માટે સહયોગ આપવા પણ તેમણે આહવાન પણ કર્યું હતું. તેમણે ગુજરાતના સ્થાપના દિનના બીજા દિવસે આવતા CREDAIના સ્થાપના દિનની શુભકામનાઓ પાઠવવાની સાથે તેમણે શ્રી શેખર પટેલને CREDAI નેશનલના ઇલેક્ટ. પ્રેસિડેન્ટ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.