Site icon Revoi.in

દેશમાં ચાર વર્ષમાં વિવિધ રાજકીય પક્ષોના 405 ધારાસભ્યોએ કર્યો પક્ષપલ્ટો

Social Share

અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી વિવિધ રાજ્યોમાં ધારાસભ્યો પોતાની પાર્ટી સામે બળવો કરીને અન્ય પક્ષમાં જોડાવવાના બનાવો સામે આવે છે. ચાર વર્ષના સમયગાળામાં સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોમાં લગભગ 405 જેટલા ધારાસભ્યોએ પક્ષપલ્ટો કર્યો છે. કોંગ્રેસના સૌથી વધારે ધારાસભ્યો સાથ છોડીને અન્ય પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે.

એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એના અહેવાલ અનુસાર 2016-2020 દરમિયાન જુદી જુદી પાર્ટીઓના 405 ધારાસભ્યોએ પાર્ટી બદલી હતી. જે પૈકી 182 ભાજપમાં, 28 ધારાસભ્યો કોંગ્રેસમાં અને 25 ધારાસભ્યો તેલંગાણા રાષ્ટ્ર સમિતિમાં જોડાયા હતા. વર્ષ 2016-2020 દરમિયાન યોજાયેલી ચૂંટણીઓમાં કોંગ્રેસના 170 ધારાસભ્યો અન્ય પક્ષોમાં જોડાયા. જ્યારે ભાજપના માત્ર 18 ધારાસભ્યો અન્ય પક્ષોમાં જોડાયા. મધ્યપ્રદેશ, મણિપુર, ગોવા, અરુણાચલ પ્રદેશ અને કર્ણાટકમાં સરકાર બનવી અને પડવા ધારાસભ્યોના ઉથલપાથલ પર આધારિત હતું.

2019 ની લોકસભાની ચૂંટણી દરમિયાન 5 લોકસભાના સભ્યો ભાજપ સિવાય અન્ય પક્ષોમાં જોડાયા હતા, જ્યારે કોંગ્રેસના 7 રાજ્યસભાના સભ્યો 2016-2020 દરમિયાન અન્ય પક્ષોમાં જોડાયા હતા. રાજ્યસભાની ચૂંટણીમાં ફરીથી ચૂંટણી લડનારા 16 રાજ્યસભા સભ્યોમાંથી 10 સભ્યોએ પક્ષ બદલીને ભાજપમાં જોડાયા હતા.

વર્ષ 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બનાવવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસનો પરાજય થતા સત્તા ગુમાવી હતી. વર્ષ 2014 પછી દેશના વિવિધ રાજ્યોમાં કોંગ્રેસની પકડ નબળી રહી હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં તાજેતરમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. છ કોર્પોરેશનમાં ચૂંટણીમાં કોંગ્રેસ 100 બેઠકો પણ મેળવી શકી ન હતી. એટલું જ નહીં સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના એક પણ ઉમેદવારનો વિજય થયો નથી.