Site icon Revoi.in

કચ્છના ગાંધીધામમાં રેલવેની જમીન ઉપર થયેલાં દબાણો તોડી પડાયાં

Social Share

ભૂજઃ જિલ્લાના આદિપુર ગાંધીધામ રેલવે સ્ટેશન વચ્ચે રેલવેની જમીન ઉપર થયેલા દબાણો ઉપર રેલવેનું બુલડોઝર ફરી વળ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરાયેલી આ કાર્યવાહી શાંતિપુર્વક પાર પાડી હતી. ફરી દબાણો ન થાય તે માટે રેલવે દ્વારા દિવાલ બાંધવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રેલવે પ્રશાસન દ્વારા રેલવેની જમીનો  ઉપર થયેલા દબાણો હટાવવા માટે નોટીસ આપવામાં આવી હતી. આજે મુદત પુરી થતા આર.પી.એફ અને પોલીસ જવાનોના બંદોબસ્ત વચ્ચે સવારે 9 વાગ્યાથી કાર્યવાહી કરાઈ હતી. ત્રણ જેસીબી મારફત કરાયેલી કાર્યવાહી દરમિયાન રેલવેની જમીન ઉપર થયેલા 50 જેટલા પાકા  દબાણ ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું. રેલવે દ્વારા ભવિષ્યના વિકાસના પ્રોજેકટોમાં કોઈ અડચણ ન આવે તેને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરાઈ હતી.

રાજવી ફાટકથી ગોપાલપુરી રેલવે સ્ટેશન સુધીની જમીન ઉપર થયેલા દબાણો તોડી પડાયા હતાં. એરીયા રેલવે મેનેજરના માર્ગદર્શન હેઠળ એન્જીનિયરીંગ વિભાગના 20થી વધુ કર્મચારીઓ જોડાયા હતાં. ગાંધીધામ મામલતદાર સી.પી.હીરવાણીયા પણ હાજર રહ્યા હતાં. આરપીએફ અને સ્થાનિક પોલીસના 58 સુરક્ષા કર્મચારીઓનો કાફલો તૈનાત કરાયો હતો. આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ બન્યો ન હતો. હવે આ સ્થળે પુન: દબાણ ન થાય તે માટે રેલવે દ્વારા પાકી દિવાલ બનાવી દેવામાં આવશે.

Exit mobile version