Site icon Revoi.in

ગાંધીનગરમાં વિદેશથી આવતા પ્રવાસીઓને ફરજિયાત 14 દિવસ ક્વોરન્ટાઈન કરાશે

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં વિદેશથી આવતા પ્રવાસીઓ કોરોનાના સંક્રમણ અથવા કોરોનાનો નવો વાયરસ ઓમિક્રોનનો ભાગ બનીને તો નથી આવ્યા તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ગાંધીનગર શહેર અને  જિલ્લામાં પણ આ રોગની એન્ટ્રી ન થાય એ માટે આરોગ્યતંત્ર દ્વારા વિદેશથી આવનારા દરેક મુસાફરને 14 દિવસ સુધી ક્વોરન્ટીન કરી સતત મોનિટરિંગ રાખવા માટે સિવિલ સહિત ત્રણ સ્થળે ક્વોરન્ટીન સેન્ટર ઊભાં કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં હજી કોરોનાની સંભવિત ત્રીજી લહેરના વાવડ વચ્ચે નવા વેરિયન્ટ ઓમિક્રોનની ભારતમાં એન્ટ્રી થતાં ભય વ્યાપી ગયો છે. ગાંધીનગરમાં પણ દિવાળીના તહેવારો પછી એક પછી એક કોરોનાના કેસો પ્રકાશમાં આવી રહ્યા છે.  જિલ્લામાં અત્યારસુધીમાં 11 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેને પગલે આરોગ્યતંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવા સૂચનો આપવામાં આવ્યા છે. તેમ છતાં હજી પણ ઘણા લોકો કોરોનાની રસી લેવામાં ઠાગાઠૈયા કરી રહ્યા છે. નવાઈની વાત એ છે કે કોરોના વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા હોવા છતાં લોકો કોરોનાનો શિકાર બની રહ્યા છે, પરંતુ રસી લીધી હોવાથી કોરોનાની ગંભીર અસર દર્દીમાં જોવા ન મળતાં તંત્રને થોડીક રાહત થઈ છે.

આ અંગે આરોગ્યતંત્રનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ઓમિક્રોનને પગલે ગાંધીનગરમાં વિદેશથી આવનારા મુસાફરોનો રોજેરોજનો ડેટા એરપોર્ટ ઓથોરિટી પાસેથી મેળવી લેવામાં આવે છે, જેને આધારે વિદેશી મુસાફરના RT PCR test સહિત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. હવે ઓમિક્રોનના બે કેસ ભારતમાં મળી આવતાં વિશેષ તકેદારીના ભાગરૂપે વિદેશથી આવનારા મુસાફરોને 14 દિવસ ફરજિયાત ક્વોરન્ટીન રહેવાનું નક્કી કરી દેવાયું છે.

આ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ, આશકા હોસ્પિટલ અને જર્મન હોટલમાં ક્વોરન્ટીન સેન્ટર ઊભાં કરવામાં આવી રહ્યાં છે. વિદેશથી આવનારા મુસાફરોને આ ત્રણ સેન્ટરમાંથી વિકલ્પ પસંદ કરવો પડશે. સિવિલ સિવાયનાં સેન્ટરમાં રહેવું હશે તો મુસાફરે એનો ચાર્જ ચૂકવવો પડશે. સરકારે પણ યુ.કે, ઝિમ્બાબ્વે, દક્ષિણ આફ્રિકા, યુએઈ સહિતના 11 દેશથી આવનારા મુસાફરો સામે ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાની સૂચનાઓ આપી દીધી છે.

આથી વિદેશથી આવનારા મુસાફરોને સાત દિવસ ક્વોરન્ટીન રાખવામાં આવશે. એ પછી તેમનો ટેસ્ટ કરાશે, જેમાં તેઓ પોઝિટિવ જણાઈ આવશે તો તેમના સેમ્પલ જીન્સ સિક્વેન્સિંગ માટે મોકલી આપવામાં આવશે. ઉપરાંત બીજા સાત દિવસ ક્વોરન્ટીન સેન્ટરમાં રાખી સતત મોનિટરિંગ કરવામાં આવશે.