Site icon Revoi.in

ગુજરાતમાં નવરાત્રી પહેલા મોટાભાગની શાળાઓમાં ધો.9થી 12ની પ્રથમ કસોટી પૂર્ણ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ધો.9થી 12ની શાળાઓમાં શરૂ થયેલી પ્રથમ કસોટી ગુરુવારે સત્તાવાર રીતે પૂર્ણ થઈ છે. આ સાથે રાજ્યની મોટાભાગની ખાનગી પ્રાથમિક શાળાઓમાં પણ પ્રથમ કસોટી પૂર્ણ થઈ ગઈ છે. જો કે કેટલીક ખાનગી શાળાઓમાં એક- બે પેપર બાકી હોવાથી આગામી એક-બે દિવસમાં પરીક્ષા પૂર્ણ થશે. જ્યારે સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં હવે પછી પ્રથમ કસોટીનો પ્રારંભ થશે. શાળાઓ દ્વારા પરીક્ષા પૂર્ણ થતાં ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને નવરાત્રીના તહેવારો બાદ પરિણામ જાહેર કરી દેવામાં આવશે.

રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા એકેડેમિક કેલેન્ડર અનુસાર ધો.9થી 12ની પ્રથમ કસોટીનો ગત તા. 3 ઓક્ટોબરથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યની તમામ ધો.9થી 12ની શાળાઓમાં નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર પરીક્ષા શરૂ થઈ હતી અને ગત તા.12મી ઓક્ટોબરને ગુરૂવારના રોજ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. આમ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની પ્રથમ કસોટી સત્તાવાર રીતે પૂર્ણ થઈ છે. પરીક્ષા પૂર્ણ થતાં હવે ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આગામી દશથી પંદર દિવસમાં પરિણામ જાહેર કરવામાં આવશે.

GCERT દ્વારા પ્રાથમિક શાળાઓમાં લેવામાં આવનારી પ્રથમ સત્રાંત કસોટી અંગે એક માસ પહેલા સૂચિત કાર્યક્રમ જાહેર કર્યો હતો. ત્યારબાદ આ જ કાર્યક્રમને મંજૂર કરી ફાઇનલ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જે મુજબ સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં પ્રથમ સત્રાંત કસોટીનો 26 ઓક્ટોબરથી પ્રારંભ કરાશે અને 4 નવેમ્બરના રોજ પ્રથમ કસોટી પૂર્ણ થશે. 9 નવેમ્બરથી દિવાળી વેકેશનનો પ્રારંભ થવાનો હોવાથી તે પહેલાં તમામ પરીક્ષાઓ પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં 4 નવેમ્બરના રોજ પ્રથમ કસોટી પૂર્ણ થયા બાદ 9 નવેમ્બરથી રાજ્યની તમામ શાળાઓમાં દિવાળી વેકેશન પડશે. 21 દિવસનું વેકેશન 29 નવેમ્બર સુધીનું રહેશે અને ત્યારબાદ 30 નવેમ્બરથી શાળાઓમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરાશે. જોકે, રાજ્યની ખાનગી પ્રાથમિક શાળાઓમાં પ્રથમ કસોટીનો વહેલા પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો. મોટાભાગની ખાનગી પ્રાથમિક શાળાઓમાં ઓક્ટોબર માસની શરૂઆત સાથે જ પ્રથમ કસોટી શરૂ કરવામાં આવી હતી. જેના પગલે રાજ્યની મોટાભાગની પ્રાથમિક શાળાઓમાં ગુરુવારે પ્રથમ કસોટી પૂર્ણ થઈ છે. જ્યારે અમુક શાળાઓમાં એક કે બે પેપર બાકી હોવાથી તે પણ બે દિવસમાં પૂર્ણ થશે. (File photo)