Site icon Revoi.in

ગુજરાતમાં યુવતીઓની છેડતી કરતા રોડસાઈડ રોમિયો સામે થશે આકરી કાર્યવાહી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં અસામાજીક પ્રવૃતિને ડામવા માટે સરકાર અને પોલીસ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. હવે યુવતીઓની છેડતી કરનારા અને જાતિય સતામણી કરનારા શખ્સો સામે સરકારે લાલઆંખ કરી છે. હવે આવા શખ્સો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે ગૃહ વિભાગે કડક કાર્યવાહી આદેશ આપ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં દારૂ, જુગાર, કસાઈ, ભૂમાફિયાઓ બાદ હવે મહિલાની છેડતી કરનારા ઈસમોની પણ પાસા હેઠળ ધરપકડ કરવામાં આવશે. ગૃહ વિભાગ દ્વારા તમામ શહેર પોલીસ કમિશનર, રેન્જ ડીઆઈજી અને જિલ્લા પોલીસ વડાને આ કાયદાનો અમલ કરાવવા સૂચના આપી છે.

પાસાના કાયદામાં સુધારો કરીને સાયબર ક્રાઈમના ગુના આચરતા ગુનેગારો, કસાઈઓ અને ત્યારબાદ ભૂમાફિયાઓને પણ પાસાના કાયદા હેઠળ લવાયા બાદ હવે રોડસાઈડ રોમિયોને પણ આ કાયદા હેઠળ આવરી લેવાયા છે, ગુજરાતમાં ક્યાંય છોકરીઓની છેડતી કે જાતિય સતામણી કરનાર સામે જો ગુનો નોંધાશે તો પોલીસ તે ગુનેગારની પાસા હેઠળ ધરપકડ કરશે. પહેલો ગુનો હશે તો પણ પાસા લાગશે.