Site icon Revoi.in

ગુજરાતમાં ડાયાબીટીસના દર્દીઓમાં થયો બમણો વધારો, હાઈપર ટેન્શનના દર્દીઓ પણ વધ્યાં

Social Share

અમદાવાદઃ ડાયાબીટિસના રોગને રાજરોગ ગણવામાં આવતો હોય છે. એટલે કે એવું કહેવાય છે કે, ખાવાના અને ખાસ કરીને વધુ પ્રમાણમાં ગળ્યુ ખાવાવાળાને ડાયાબીટિસ થતો હોય છે. જોકે ઘણા લોકોનું એવું પણ માનવું છે. કે. વધારે પડતા ટેન્શન કે ચિંતાને લીધે પણ ડાયાબીટિસ થતો હોય છે. જ્યારે તબીબો પણ અલગ મત વ્યક્ત કરતા હોય છે. ગુજરાતમાં ડાયાબીટિસના દર્દીઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં ખાસ બાબત તો એ છે, કે કેટલાક નાના બાળકો અને યુવાનોમાં પણ ડાયાબીટિસ જોવા મળી રહ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં ડાયાબીટીક દર્દીઓની સંખ્યા ડબલથી પણ વધી ગઈ છે. તાજેતરમાં જ કરાયેલા નેશનલ ફેમીલી હેલ્થ સર્વેમાં દર્શાવાયું છે કે ગુજરાતીઓમાં આરોગ્ય પ્રત્યે જે બેકાળજી છે તે વધી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ડાયાબીટીકમાં બ્લડ સુગરનું લેવલ મહત્વનું હોય છે અને તેમાં 2019 થી 2021 ના સમયમાં કરવામાં આવેલા સર્વેમાં એ તારણ આવ્યુ હતું કે અત્યંત ઉંચા રેન્ડમ બ્લડ ગ્લુકોઝનું પ્રમાણ મહિલાઓમાં 14.8 ટકા અને પુરુષોમાં 16.1 ટકા છે. જે ચાર વર્ષ પહેલા અનુક્રમે 5.8 ટકા 7.6 ટકા હતું. 3 કરોડ કે તેથી વધુ વસ્તી ધરાવતા રાજયોમાં ડાયાબીટીસની દ્રષ્ટીએ ગુજરાત ચોથા ક્રમે આવે છે. ફકત ડાયાબીટીસ જ નહી પરંતુ અન્ય જે આરોગ્ય સમસ્યાઓ છે તેમાં પણ ડાયાબીટીસ કે હાઈ બ્લડ સુગરના કારણે હાઈપર ટેન્શન, ચરબી જામી જવાની તથા અન્ય બીમારીઓ પણ ગુજરાતમાં વધી રહી છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ગુજરાતમાં 20.5 ટકા મહિલાઓ અને 20.3 ટકા પુરુષો હાઈપર ટેન્શનથી પીડાઈ રહ્યા છે જયારે અગાઉના સર્વેમાં તે પ્રમાણ સરેરાશ 14 ટકા જેવું હતું. આ ઉપરાંત 22.7 ટકા મહિલાઓ અને 20 ટકા પુરુષોનો બોડી માસ ઈન્ડેકસ વધુ હતો. એટલે કે તેઓના શરીર પર ચરબી જામી જવાની સ્થિતિ બની રહી હતી. જો કે ફકત મિઠાઈ કે ગળપણને જ ડાયાબીટીસ માટે જવાબદાર ગણાતા નથી પરંતુ લાઈફ સ્ટાઈલ ડીસઓર્ડર એ સૌથી મહત્વનું છે. શારીરિક શ્રમ ધીમે ધીમે ઘટી રહ્યો છે. ઉપરાંત તનાવ અને શારીરિક હોર્મોન ઈનબેલેન્સ એટલે કે અસમતુલા પણ વધી રહી છે.