Site icon Revoi.in

ગુજરાતમાં ‘ આપ ’ દ્વારા પરિવર્તન યાત્રાનો પ્રારંભ, તમામ વિધાનસભા બેઠકો પર લોકસંપર્ક કરાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યના 6 અલગ અલગ સ્થળોએથી પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરાયો છે. આ પરિવર્તન યાત્રા 182 વિધાનસભા વિસ્તારોમાં ફરીને લોક સંપર્ક કરશે, ગુજરાતના છેવાડાના નાગરિકો સુધી પહોંચવા અને પ્રત્યેક નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા આ પરિવર્તન યાત્રાનું આયોજન કરાયુ હોવાનો દાવો કરાયો છે.

આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રાનો પ્રારંભ કરાયો હતો. જેમાં સોમનાથથી ‘આપ’ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ નિમિષાબેન ખુંટ તથા ગુજરાત યુથ વિંગ પ્રમુખ પ્રવીણ રામે ભગવાન મહાદેવના આશીર્વાદ લઇ સવારે 8 વાગ્યે યાત્રાની શરૂઆત કરાવી હતી. દ્વારકાથી ‘આપ’ નેતા ઇસુદાન ગઢવી, ઇન્દ્રનીલ રાજ્યગુરુ તથા સંગઠન મંત્રી અજિત લોખીલ કૃષ્ણ ભગવાનના દર્શન કરી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. સિદ્ધપુરથી ‘આપ’ પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરી, સંગઠન મંત્રી રમેશભાઈ નાભાણી અને મહામંત્રી સાગરભાઈએ અને ઉમરગામ થી ‘આપ’ પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા અને BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધારાસભ્ય મહેશભાઇ વસાવા તેમજ અબડાસાથી ‘આપ’ કિસાન સંગઠન અધ્યક્ષ રાજુ કરપડા અને ‘આપ’ નેતા કૈલાશદાન ગઢવીએ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

દાંડીથી ‘આપ’ ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, સંગઠન મંત્રી રામ ધડૂક અને આપ નેતા રાકેશ હિરપરાએ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાતમાં ભ્રષ્ટાચારમુક્ત શાસન આપવા,ખરા અર્થમાં સુશાસનની સ્થાપના કરવા અને ગુજરાતના યુવાનો માટે રોજગારની ઉત્તમ સગવડ વ્યવસ્થા પુરી પાડવા માટે આપ આદમી પાર્ટીની આ ‘પરિવર્તન યાત્રા’ ગુજરાતની રાજનીતિને એક સકારાત્મક દિશામાં લઈ જશે તેમ આમ આદમી પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું.