Site icon Revoi.in

કર્ણાટકમાં ભાજપ હવે ગુજરાત પેટર્નથી ચૂંટણી લડશે, ગુજરાતના BJP નેતાઓને સોંપાઈ જવાબદારી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ભાજપે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો મેળવીને રેકોર્ડ બનાવ્યો છે. ત્યારે હવે કેન્દ્રિય ભાજપની નેતાગીરીએ તમામ ચૂંટણીઓમાં ગુજરાત પેટર્ન અપનાવવાનો નિર્ણય લીધો છે. કર્ણટકમાં વિધાનસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત થઈ ગઈ છે. અને ફરીવાર સત્તા કબજે કરવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. ત્યારે કેન્દ્રિય હાઈકમાન્ડે ગુજરાત ભાજપના કેટલાક પસંદગીના નેતાઓને કર્ણાટકની ચૂંટણીમાં ગુજરાત પેટર્ન મુજબ કામ કરવાનો આદેશ આપ્યો હોવાનું કહેવાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કર્ણાટકમાં આ વખતે ચૂંટણીમાં ભાજપ માટે કપરા ચઢાણ છે. એટલે ફરીવાર સત્તા કબજે કરવામાં ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું છે. ગુજરાતમાં ભાજપે ચૂંટણીમાં માઈક્રો પ્લાનિંગ કર્યું હતું. અને તેના લીધે જ ભાજપને રેકોર્જબ્રેક 156 બેઠકો મળી હતી. તેવી જ કર્ણાટકમાં પ્લાનિંગ ગોઠવવા ગુજરાતના નેતાઓની સેવાઓ લેવામાં આવી રહી છે.  ગુજરાતની ચૂંટણીમાં વપરાયેલા વિવિધ સ્લોગનનો કર્ણાટકના શહેરોમાં લગાવાયા છે. એટલુ જ નહિ, ગુજરાતના નેતાઓ કર્ણાટકમાં જઈને ચૂંટણીનો પ્રચાર કરશે. ગુજરાતના ઢગલાબંધ નેતાઓ કર્ણાટક જઈને જોરશોરથી ભાજપની વાહવાહી કરશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  ગુજરાતથી ભાજપના નેતાઓની આખી ફૌજ કર્ણાટક જશે. સરકાર સંગઠનના 6 મોટા નેતાઓ સતત કર્ણાટક પ્રવાસમાં હાજર રહેશે. ઉપરાંત 125 આગેવાનો પણ તેમની સાથે કર્ણાટક જવાના છે. 15 એપ્રિલ બાદ પ્રદેશ ભાજપના નેતાઓનો કર્ણાટક પ્રવાસ ગોઠવાયો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કર્ણાટક ચૂંટણી માટે સહપ્રભારી છે. ત્યારે તેમના માથા પર મોટી જવાબદારી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જીતુ વાઘાણી, ગણપત વસાવા, પ્રવીણ માળી, પ્રદીપસિંહ વાઘેલા, પૂર્ણેશ મોદી સહિતના નેતાઓ પણ કર્ણાટક જશે.  કર્ણાટકની ચૂંટણીમાં ભાજપે ગુજરાત મોડલ અપનાવ્યું છે.  ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે કેટલાક સ્લોગન બહુ જ ફેમસ થયા હતા, ત્યારે ભાજપે આ જ સ્લોગનના તર્જ પર કર્ણાટકની ચૂંટણી જીતવા માંગે છે. તેથી કર્ણાટકની ગલીઓમાં હાલ ગુજરાતના નારા ગુંજી રહ્યાં છે.  ભરોસાની ભાજપ સરકાર  સ્લોગનનો કર્ણાટકમાં ઉપયોગ કરાયો છે. તો ડબલ એન્જિન સરકાર, સપના સાકાર સ્લોગનનો પણ કર્ણાટકની ચૂંટણીમાં ઉપયોગ કરાઈ રહ્યો છે. આ તમામ સ્લોગન ગુજરાત ચૂંટણી સમયે બનાવાયા હતા.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,   ગુજરાત ભાજપના 100થી વધુ કાર્યકર્તાઓ કર્ણાટક જવાની તૈયારી કરી રહ્યાં છે. બુથ પ્રમાણે કાર્યકર્તાઓને કર્ણાટકમાં જવાબદારી સોંપવામાં આવશે. મહત્વનું છે કે ગુજરાતમાં પીએમ મોદીએ ખુલ્લી જીપમાં બેસીને જાહેર સભા સ્થળમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને કર્ણાટકમાં પણ આ જ મોડલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.