Site icon Revoi.in

કપરાડાના ખાતુનિયા ગામે શાળામાં ઓરડાના અભાવે બાળકો ખૂલ્લાંમાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે

Social Share

વલસાડ :  રાજ્યના છેવાડાના અંતરિયાળ  વિસ્તારોમાં શિક્ષણ ક્ષેત્રે પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. વલસાડના અંતરિયાળ કપરાડા તાલુકાની એક પ્રાથમિક શાળામાં આજે પણ ઓરડાના અભાવને કારણે બાળકોએ ખુલ્લામાં ઓટલા પર અને ઝાડ નીચે બેસીને અભ્યાસ કરવો પડે છે. કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખાતુનીયા ગામમાં 1થી8 ધોરણની શાળામાં માત્ર ત્રણ ઓરડા છે, જેમાં બે ઓરડા જર્જરિત હોવાથી બાળકોને બેસાડાતા નથી એટલે શાળાના સાત શિક્ષકો બાળકોને ખૂલ્લામાં કે ઝાડ નીચે ભણાવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો અંતરિયાળ અને આદિવાસી વિસ્તાર છે. આ દુર્ગમ પહાડી વિસ્તાર છે અને રાજ્યનો છેવાડાનો તાલુકો હોવાથી આઝાદીના આટલા વર્ષો બાદ હજુ પણ આ વિસ્તારમાં પૂરતી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. એમાંય શિક્ષણ ક્ષેત્રે હજુ આ તાલુકામાં પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે નાના ભૂલકાઓના શિક્ષણ પર તેની અસર થઈ રહી છે. તાલુકાના છેવાડે આવેલા ખાતુનીયા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 ના વર્ગો ચાલે  છે. જેમાં 154 બાળકો અભ્યાસ કરે છે અને 7 શિક્ષકો ફરજ બજાવે છે. ત્યારે શાળામાં વિદ્યાર્થીઓ પણ છે, શિક્ષકો પણ છે, પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે 8 ધોરણ વચ્ચે શાળામાં માત્ર 3 જ ઓરડાઓ છે. એમાં પણ 2 ઓરડાની હાલત જર્જરિત છે. આથી જર્જરિત ઓરડાઓમાં  બેસીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકતા નથી. માત્ર એક જ ઓરડો વપરાશમાં આવે છે. જેને કારણે આ શાળાના 3 ધોરણો, એટલે  ત્રીજું… ચોથું …અને પાંચમા ધોરણના બાળકોએ શાળાના ઓરડાની બહાર ઓટલા પર કે ઝાડની નીચે ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવા મજબૂર થવું પડે છે. જ્યારથી શાળા બની છે ત્યારથી આ સમસ્યા અંગે રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં હજુ સુધી આ સમસ્યાનું સમાધાન થયું નથી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કપરાડાની ખાતુનિયા ગામમાં ગરીબ પરિવારોના બાળકો માટે અભ્યાસનું એકમાત્ર માધ્યમ આ સરકારી શાળા છે. આસપાસમાં અન્ય કોઈ શહેરી વિસ્તાર કે કોઈ વિકલ્પ ન હોવાથી મજબૂરીવશ ગરીબ પરિવારોએ તેમના બાળકોને આ શાળામાં અભ્યાસ કરવા મોકલવા પડે છે.શાળામાં પૂરતી સુવિધાઓના અભાવને કારણે 8 ધોરણ વચ્ચે માત્ર 3 જ ઓરડાઓ છે. તેમાં પણ બેની હાલત જર્જરિત છે. આથી શિયાળો હોય કે ઉનાળો કે ચોમાસુ ભૂલકાઓએ આવી રીતે ખુલ્લામાં જ અભ્યાસ કરવો પડે છે. આથી આ શાળામાં અભ્યાસ કરતા ભૂલકાઓના વાલીઓ અને ગ્રામજનો પણ ગામની પ્રાથમિક શાળામાં પૂરતા ઓરડાઓ બનાવી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. તો બીજી બાજુ શિક્ષણ વિભાગના જવાબદાર અધિકારીઓ પણ સ્વીકારી રહ્યા છે કે શાળામાં જે સંખ્યા છે તે પ્રમાણમાં 6 ઓરડાઓની ઘટ જોવા મળી રહી છે. શાળા દ્વારા દર મહિને અવારનવાર શાળામાં ઓરડાની માંગ માટે સંબંધિત વિભાગમાં રજૂઆત કરવામાં આવે છે. તેમ છતાં હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. (file photo)

 

Exit mobile version