Site icon Revoi.in

કચ્છમાં માતાના મઢના વિકાસ માટે રૂ. 25 કરોડ ખર્ચાશે

Social Share

ભૂજઃ કચ્છમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રધામ માતાના મઢના વિકાસ માટે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય મંદિરનું પ્રાંગણ વિશાળ બનાવવું, ચાચરા કુંડ, ખટલા ભવાની મંદિર, રૂપરાઇ તળાવ, અદ્યતન બસ સ્ટેશન સહિતના કામોનો સમાવેશ થાય છે. માતાના મઢના દર્શનાર્થે રોજ-બરોજ અનેક ભાવિકો આવે છે. યાત્રિકોને સુવિધા મળી રહે તે મુજબ વિકાસનું આયોજન કરવામાં આવ્યું છે.

કચ્છના કલેક્ટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને યોજાયેલી મિટિંગમાં યાત્રાધામના વિકાસ માટે સરકાર દ્વારા રૂા. 25 કરોડ ગત બજેટ સત્રમાં ફાળવવામાં આવ્યા હતા. તે અનુસંધાને કામો ઝડપભેર થાય તે જોવા ચર્ચા કરાઇ હતી. તેમણે યાત્રાધામના વિકાસ બોર્ડના અધિકારી સાથે ચાર જેટલા પ્રોજેક્ટ ઉપર ચર્ચા કરી હતી. જેમાં મુખ્ય મંદિરનું પ્રાંગણ વિશાળ બનાવવું, ચાચરા કુંડ, ખટલા ભવાની મંદિર, રૂપરાઇ તળાવ, અદ્યતન બસ સ્ટેશન સહિતના સ્થળોનું જાતનિરીક્ષણ કરી ઝડપભેર પ્રોજેક્ટનું કામ આગળ વધારવા સૂચના આપી હતી.

નખત્રાણા પ્રાંત અધિકારી મેહુલકુમાર, દયાપર મામલતદાર સોલંકી, ડેપ્યુટી ટી.ડી.ઓ. દયાપર, સિંચાઇ વિભાગ તેમજ આર. એન્ડ બી. વિભાગ, મા.મઢ જાગીરના ટ્રસ્ટી ખેંગારજી જાડેજા, પ્રવીણસિંહ વાઢેર, વિનોદભાઇ સોલંકી, મા.મઢના સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા, તલાટી-મંત્રી અશ્વિન સોલંકી સહિતના હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કલેક્ટરે મુખ્ય મંદિરના ચારેબાજુના રસ્તાઓ પહોળા બનાવવા પર ભાર મૂક્યો હતો. સાથે મઢમાં પ્લાનિંગ થયેલા તમામ પ્રોજેક્ટ પર ઝડપભેર કામ હાથ ધરવા સૂચનો કર્યા હતા.