Site icon Revoi.in

પાકિસ્તાનમાં ફરી પ્રજા ઉપર ભાવ વધારાનો બોજો નખાયો, પેટ્રોલના ભાવમાં વધારો કરતા પ્રજામાં નારાજગી

Social Share

નવી દિલ્હીઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની મુશ્કેલીઓ હવે વધી ગઈ છે. મધ્યરાત્રિએ પેટ્રોલની કિંમતોમાં વધારો કરીને સામાન્ય માણસની કમર ભાંગી છે. શાહબાઝ શરીફ સરકારનો કાર્યકાળ પૂરો થયા બાદ સોમવારે દેશમાં કાર્યવાહક વડાપ્રધાનની નિમણૂક કરવામાં આવી હતી અને પહેલા જ નિર્ણયથી લોકોના ખિસ્સા પર ફટકો પડ્યો હતો.

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એકાએક વધારાની જાહેરાત કરીને તેમણે 18 રૂપિયા પ્રતિ લીટરનો ભાવ વધારો કર્યો હતો. હવે પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત 290.45 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. આ સાથે હાઈ સ્પીડ ડીઝલની કિંમતમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, ત્યારબાદ તેની કિંમત 293.40 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

એક રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનની રખેવાળ સરકારે મંગળવારે મધરાતથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલની કિંમતોમાં અચાનક વધારાને લઈને પાકિસ્તાનના નાણા વિભાગ દ્વારા એક સૂચના પણ જારી કરવામાં આવી છે. જેમાં બુધવાર, 16 ઓગસ્ટ 2023થી ઈંધણની નવી કિંમતો લાગુ કરવામાં આવી છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમની કિંમતોમાં વધારાને કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવામાં આવી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 1 ઓગસ્ટ, 2023ના રોજ તત્કાલિન શાહબાઝ શરીફ સરકારમાં પેટ્રોલની વર્તમાન કિંમતમાં 19.95 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો જ્યારે ડીઝલની કિંમતમાં 19.90 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારબાદ હવે 16 ઓગસ્ટના મહિને એક નિર્ણય લેવામાં આવ્યો છે.તેમાં વારંવાર વધારો કરવામાં આવ્યો છે અને તેનો અર્થ એ છે કે માત્ર 15 દિવસમાં જ પાકિસ્તાનમાં તેલના ભાવમાં લગભગ 40 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે.