Site icon Revoi.in

મણિપુર ઘટનાના વિરોધમાં આજે રવિવારે ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં બંધનું એલાન

Social Share

અમદાવાદઃ મણિપુર રાજ્યમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી જાહેરમાં જુલુસ કાઢી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ શર્મશાર કરતી ઘટનાને તમામ રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓએ વખોડી કાઢી છે. ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઘટનાને વખોડીને આદીવાસી પટ્ટીના વિસ્તારોમાં આજે રવિવારે બંધનું એલાન આપવામાં આવ્યું છે. તમામ આદિવાસી સમાજના રાજકીય નેતાઓને બંધના એલાનને સફળ બનાવવા અપીલ પણ કરવામાં આવી છે.

આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે,  મણિપુરમાં ભાજપ સરકાર છે. સરકાર આવા કૃત્યો કરનારાને ભાજપની સરકાર છાવરી રહી છે. મુખ્યમંત્રી બીરેનસિંહ તેમજ ગર્વનર પણ આ હિંસાને રોકી શકતા નથી એટલે તેમણે રાજીનામુ આપવું જોઈએ. દેશના ગૃહપ્રધાન અમિત શાહ પણ આ હિંસાને શાંત પાડવા ધ્યાન દોરવું જરૂરી છે. એટલે આ ઘટનાને અમે વખોડી 23 જુલાઈ રવિવારના રોજ આદિવાસી પટ્ટા પરના નાના મોટા તમામ બજારો બંધ રાખી સરકારનું મણિપુર તરફ ધ્યાન કેન્દ્રિત કરવા પ્રયાસ કર્યો છે.

વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર  સરકારનું મણિપુર તરફ ધ્યાન ખેંચવા તા.23મી જુલાઈ રવિવારના રોજ અંબાજીથી ઉમરગામ સુધીની આદિવાસી પટ્ટી પરના નાના મોટા તમામ બજારો સ્વયંભૂ બંધ રહેશે. આદિવાસી આગેવાન ડૉ. પ્રફુલ વસાવાએ પણ ધારાસભ્યને સમર્થન જાહેર કરી તમામ આદિવાસી નેતાઓ અને આગેવાનો આગળ આવવા અને આ બંધને સમર્થન આપવા અપીલ કરી છે.

આદિવાસી વિસ્તારમાં બંધના એલાનને સફળ બનાવવા આમ આદમી પાર્ટીના આદિવાસી સમાજના નેતાઓએ પણ અપીલ કરી છે. રવિવારે આદિવાસી વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે. ત્યારે બંધના એલાનને કેટલી સફળતા મળે છે. તે જોવું રહ્યું. (File photo)