Site icon Revoi.in

રાજકોટમાં એસટી વિભાગે હોળી-ધૂળેટીમાં એક્સ્ટ્રા બસ દોડાવીને 40 લાખની વધુ આવક મેળવી

Social Share

રાજકોટઃ હોળી અને ધૂળેટીના પર્વમાં પ્રવાસી ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે રાજકોટ એસટી ડિવિઝન દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જેમાં એક્સ્ટ્રા 358 બસો દોડાવવામાં આવી હતી. જેમાં 16 હજાર મુસાફરોએ દોઢું ભાડું ચૂકવી મુસાફરી કરી હતી. જેના થકી રાજકોટ એસટી વિભાગને રૂ. 40 લાખની વધુ આવક થઈ હતી. જેમાં રાજકોટ એસટી ડેપોની સૌથી વધુ રૂ.12 લાખ જેટલી આવક થઈ હતી.

રાજકોટ એસટીના ડિવિઝનના સૂત્રોએ જણાવ્યું હતું કે, હોળી અને ધૂળેટીના તહેવારને લઈને એક સપ્તાહથી 358 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. તા.16 થી 24 માર્ચ સુધી રાજકોટથી અમદાવાદ, દાહોદ, પંચમહાલ અને ગોધરા સુધીની એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. એક્સ્ટ્રા બસોમાં 16 હજાર મુસાફરોએ સવારી કરી હતી. જેના થકી રૂ. 40 લાખની આવક થઈ છે. જેમાં રાજકોટ એસટી ડેપોની સૌથી વધું રૂ. 12.51 લાખની આવક થઈ હતી. રાજકોટ એસટી ડેપોની 118, ગોંડલની 62, ધ્રાંગધ્રાની 51, મોરબીમાં 44, વાંકાનેરમાં 32, સુરેન્દ્રનગરમાં 29, લીંબડીમાં 28, જસદણમાં 26 અને ચોટીલામાં 22 એક્સ્ટ્રા ટ્રીપ દોડાવવામાં આવી હતી. રાજકોટ એસટી વિભાગને એક્સ્ટ્રા બસો થકી રૂ. 39 લાખ 34 હજાર 461ની આવક થઈ છે. મુસાફરોને હરવા ફરવા માટે તેમજ પરપ્રાંતીઓને તેમના વતનમાં જવામાં મુશ્કેલી ન પડે તે માટે સંચાલન કરવામાં આવ્યું હતું. જેથી મુસાફરોને ખાનગી બસોમાં ઊંચું ભાડું આપી લૂંટાવુ ન પડે. રાજકોટ એસટી વિભાગ દ્વારા ઉનાળુ વેકેશન તેમજ તહેવારો દરમિયાન એક્સ્ટ્રા બસો મૂકવામાં આવે છે. જેના ભાગરૂપે હોળી અને ધૂળેટીના તહેવારમાં પણ એક્સ્ટ્રા બસો મુકવામાં આવી હતી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  રાજકોટ એસટી વિભાગ દ્વારા દર વખતે તહેવારોમાં એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે. જેનું ભાડું રેગ્યુલર બસ કરતા દોઢ ગણુ વધુ વસૂલવામાં આવી રહ્યું છે. જોકે ખાનગી બસો કરતા તે ભાડું ઓછું હોય છે. પરપ્રાંતીય મજૂરવર્ગના લોકો હોળી અને ધૂળેટીનો તહેવાર પોતાના પરિવાર સાથે ઉજવતા હોય છે. જેથી તેઓ તેમનાં વતન જતા હોય છે અને તેના માટે સસ્તી અને સલામત ગણાતી એસટી બસનો ઉપયોગ કરતા હોય છે. મુસાફરોની સુવિધા માટે એસટી વિભાગ દ્વારા જરૂરિયાત મૂજબ એક્સ્ટ્રા બસો મુકવામાં આવે છે.