- આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
- મહિલા દિવસ નિમિતે મહિલાઓને ભેટ
- સિટી અને BRTS બસમાં કરી શકશે ફ્રી મુસાફરી
રાજકોટ:આવતીકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે.જેના ભાગરૂપે રાજકોટની મહિલાઓ સિટી અને BRTS બસમાં ફ્રી મુસાફરી કરી શકશે.સિટી બસ તથા BRTS બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવી રહેલ છે. બંને બસ સેવાનો હાલ 50,000 થી વધુ શહેરીજનો દ્વારા લાભ ઉઠાવવામાં આવી રહ્યો છે.ત્યારે આવતીકાલે મહિલા દિવસ નિમિતે આ બંને બસ સેવાનો વધુ ને વધુ લોકો લાભ લે તેવા હેતુથી મહિલાઓ માટે ફ્રી બસ સેવા પૂરી પાડવામાં આવશે તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું.
આવતીકાલના રોજ કોઇપણ રૂટ પર ગમે તેટલી વખત ફક્ત મહિલા-સ્ત્રી મુસાફરો નિ:શુલ્ક મુસાફરી કરી શકશે.જ્યારે પુરૂષ મુસાફરો એ તેઓની મુસાફરી અન્વયે રાબેતા મુજબ જ નિયત દરની ટીકીટ લેવાની રહેશે. બહોળી સંખ્યામાં મહિલા-સ્ત્રી મુસાફરો દ્વારા નિ:શુલ્ક પરિવહન સેવાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે,રક્ષાબંધન તેમજ ભાઈબીજના પ્રસંગે પણ મહિલાઓને સિટી બસ તથા બી.આર.ટી.એસ.બસમાં ફ્રી બસ સેવા પુરી પાડવામાં આવે છે.

