Site icon Revoi.in

રાજકોટમાં ઓમિક્રોનના બે શંકાસ્પદ કેસ, બન્ને દર્દીના જરૂરી સેમ્પલ પુના મોકલાયા

Social Share

રાજકોટ : કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઇને લોકોમાં ભય વ્યાપી ગયો છે. કોરોનાના કપરા કાળમાંથી માંડ છૂટકારો મળ્યો હતો ત્યાં કોરોનાના નવા વાયરસ ઓમિક્રોનને લીધે લોકો ભૂતકાળને યાદ કરી રહ્યા છે.  ગુજરાત સરકાર પણ ઓમિક્રોમના કેસ નોંધાય નહીં તે માટે પુરતી તકેદારી દાખવી રહી છે. ગઈકાલે જામનગર બાદ આજે રાજકોટમાં ઓમિક્રોન વાયરસના કેસ આવવાની આશંકા ઉઠી છે. દક્ષિણ આફ્રિકાથી આવેલા બે લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ બંને લોકોના સેમ્પલ  પુના મોકલવામાં આવ્યા છે. પુનાની લેબોરેટરીમાં તપાસ બાદ વાયરસના વેરિયન્ટની સ્પષ્ટતા થશે. હાલ બંને પોઝિટિવ દર્દીઓને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

રાજકોટના  ઓમિક્રોનના શંકાસ્પદ કેસ અંગે કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું  હતું કે, સેમ્પલ પુના મોકલવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરે મેડિકલ કોલેજના અધિકારીઓ સાથે વાત કરી છે. આ મામલે તમામ પગલા લેવાશે. ગઈકાલે જામનગર નજીક મોરકડાં ગામના એક વ્યક્તિમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. મોરકડાં ગામના વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી આફ્રિકાથી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ વ્યક્તિને હાલ આઇસોલેટ કરવામાં આવ્યો છે. આઇસોલેટ કરાયેલા પુરુષને ઓમિક્રોનનો વાયરસ છે કે નહીં તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે. સેમ્પલ પુણેની લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ ન આવે ત્યાં સુધી આફ્રિકાથી આવેલા વ્યક્તિને આઇસોલેટ રાખવામાં આવશે.

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનથી ફરી એકવાર દુનિયાભરમાં ચિંતા ફેલાઈ ગઈ છે. ખાસ કરીને ભારત સરકારે સાવચેતીના ભાગરૂપે ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. બીજી તરફ સાઉથ આફ્રિકામાં લોકડાઉન લગાવી દેવાયું છે. નવા વેરિયન્ટ ઓમિક્રોનની શરૂઆત સાઉથ આફ્રિકાથી થઈ જે હાલ અનેક દેશમાં ફેલાઈ ગયો છે. આ વેરિયન્ટના કારણે અનેક દેશો ફરી લોકડાઉન લગાવવા માટે મજબૂર થઈ ગયા છે. પણ ઓમિક્રોન વાયરસનો સૌથી વધુ પ્રકોપ સાઉથ આફ્રિકામાં ફેલાયો છે. ત્યાં સ્થિતિ એટલી હદે ખરાબ છે કે, લેવલ સ્ટેજ 1નું લોકડાઉન લગાવી દેવાયું છે. કેમ કે, ઓમિક્રોનનો શિકાર બનેલા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 11 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. જેના કારણે ઘણા દેશોએ સાઉથ આફ્રિકા પર ટ્રાવેલ બેન લગાવી દીધું છે. જેમાં અમેરિકા, કેનેડા, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડ અનેક દેશો સામેલ છે. ભારતમાં પણ કેન્દ્ર સરકારે ઓમિક્રોનના ખતરા વચ્ચે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. નવી એડવાઈઝરી મુજબ જે મુસાફરો એટ રિસ્ક વાળા દેશમાંથી ભારત આવશે તેમનો એરપોર્ટ પર કોરોના ટેસ્ટ કરવામાં આવશે. અને જો તે પોઝિટિવ આવશે તો તેમને આઈસોલેટ કરવામાં આવશે અને તેમના સેમ્પલને જીનોમ સીક્વેન્સમાં મોકલાશે. સિક્કીમ પહેલો એવો દેશ છે જ્યાં વિદેશી નાગરિકોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો છે. સિક્કિમમાં 15 દિવસ કોઈ પણ વિદેશી નાગરિક નહીં જઈ શકે.