Site icon Revoi.in

રાજકોટના જન્માષ્ટમીના લોકમેળામાં પણ મતદાર યાદીમાં નવા નામ-સુધારાની થશે કામગીરી

Social Share

રાજકોટઃ લોકસભાની ચૂંટણીને એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. આમ તો સમયાંતરે મતદાર યાદીમાં સુધારણાનો કાર્યક્રમ હાથ ધરાતો જ હોય છે. 18 વર્ષની ઉંમરના નવા મતદારોના નામ નોંધવામાં આવતા હોય છે. તેમજ જે મતદારોએ સ્થળાંતર કર્યું હોય તો તેમના નામ કમી પણ કરવામાં આવતા હોય છે. આ પ્રક્રિયા સતત ચાલતી રહેતી હોય છે. રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા આગામી તા.5થી 9 સપ્ટેમ્બર દરમિયાન રાજકોટ શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલા જન્માષ્ટમીના લોકમેળા અંગે તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આ લોકમેળામાં આ વખતે મતદાર યાદીમાં નવા નામ નોંધાવવા તેમજ મતદારોના સરનામામાં સુધારા વધારાની પણ કામગીરી કરવામાં આવશે.

રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં જન્માષ્ટમીના પર્વમાં પાંચ દિવસનો લોકમેળાનું મોટેપાયે આયોજન કરવામાં આવે છે. જેના માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ લોકમેળા દરમિયાન મતદાર યાદીમાં સુધારણાનો કાર્યક્રમ પણ કરાશે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકમેળામાં અલગથી ખાસ સ્ટોલ ફાળવવામાં આવશે. મતદારયાદીની આ કામગીરી માટે વહીવટી તંત્ર દ્વારા શહેરની ત્રણેય મામલતદાર કચેરીના ઓર્ડરો પણ ઈશ્યુ કરી દેવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે ઈલેક્શન  પંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં આગામી તા.21થી ડોર ટુ ડોર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પણ શરૂ કરવામાં આવશે. આ દરમિયાન હવે લોકમેળામાં પણ મતદાર યાદીમાં નવા નામ નોંધાવવા અને મતદારોના નામ સરનામામાં સુધારા વધારા કરવા માટેની પણ કામગીરી કરાશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટના લોકમેળાના 355 સ્ટોલ-પ્લોટ માટે ફોર્મ ઉપાડવામાં આ વખતે મોંઘવારીનો માર નડી રહ્યો હોય છેલ્લા 10 દિવસ દરમિયાન 225 જેટલા ફોર્મ ઉપડયા છે. જો કે એક પણ ફોર્મ ભરાઈને સબમીટ થયા નથી. તેની સાથોસાથ લોકમેળા સમિતિ દ્વારા હવે લોકમેળાના મુખ્ય સ્ટેજ અને સિકયુરીટી માટે ખાસ ટેન્ડર પ્રસિધ્ધ કરવા માટેની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.(file photo)