Site icon Revoi.in

સોરઠ પંથકમાં ખેડુતોએ કપાસ કરતા સોયાબીનનું વધુ વાવેતર કર્યું

Social Share

અમદાવાદ: સૌરાષ્ટ્ર પંથકમાં રાહ જોવડાવ્યા બાદ ફરી ચોમાસાનો માહોલ જામ્યો છે. છેલ્લા બે દિવસથી ઝરમરીયા વરસાદને કારણે કૃષિ પાકને ખૂબ ફાયદો થયો છે. જૂનાગઢ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદને લીધે ખેતી પાકોને જીવતદાન મળ્યું છે. ખેતરમાં રહેલા મગફળી, અને કપાસના પાકને વરસાદને લઈને ફાયદો થયો છે અને હજુ પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. ચોમાસું પાકોમાં સોરઠ પંથકના ખેડૂતો હવે સોયાબિન ની ખેતી તરફ વળ્યા છે અને કપાસ કરતાં પણ સોયાબિનનું વાવેતર વધારે થયું છે.

સોરઠ પંથકમાં ગત અઠવાડીયા સુધી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા પરંતુ કુદરતે મહેર કરી હોય તેમ બે દિવસથી જુનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં ધરતીપુત્રો આનંદીત થયા છે. કારણ કે ખેડૂતોને પોતાના પાકની ચિંતા સતાવતી હતી, પાણીના વાંકે ખેતી પાકોને અસર પડે તેમ હતી. પરંતુ સમયસર વરસાદ થઈ જતાં હવે ખેડૂતોની ચિંતા ટળી છે અને ખેતી પાકો માટે જીવતદાન સમાન વરસાદ વરસી રહ્યો છે. હજુ આગામી અઠવાડીયામાં પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. જો કે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં 43 ટકા ઓછો વરસાદ નોંધાયો છે પરંતુ જે રીતે વરસાદ વરસ્યો છે અને હજુ પણ વરસાદ ની સંભાવના છે. તેને લઈને ખેડૂતોને હવે પિયત માટે કોઈ ચિંતાની આવશ્યકતા નથી.

જૂનાગઢ જિલ્લામાં જ્યાં પાણીની વ્યવસ્થા હતી ત્યાં આગોતરૂ વાવેતર થયું હતું અને ત્યારબાદ વાવણી લાયક વરસાદ થયો હતો. ધરતીપુત્રોએ વાવણી કરી હતી. જિલ્લામાં અત્યાર સુધીમાં 95 ટકા જેટલું વાવેતર થઈ ચુક્યું છે. જિલ્લાનો મુખ્ય પાક મગફળી છે અને ચાલુ વર્ષે 2.23 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. જિલ્લામાં અત્યાર સુધી મગફળી બાદ બીજા નંબરે કપાસનું વાવેતર થતું હતું. પરંતુ ચાલુ વર્ષે ખેડૂતો સોયાબિનની ખેતી તરફ વળ્યા છે અને કપાસ કરતાં પણ સોયાબિનનું વાવેતર વધારે થયું છે. આમ કુલ 3,24,236 હેક્ટરમાં અત્યાર સુધીમાં વાવેતર થયું છે, જિલ્લામાં સરેરાશ 3,33,369 હેક્ટરમાં વાવેતર થાય છે. આમ ચાલુ વર્ષે ચોમાસાનો શરૂઆતનો તબક્કો ચિંતાજનક રહ્યો પરંતુ હવે વરસાદી માહોલ છે અને હવામાન વિભાગની આગાહી મુજબ પણ જે વરસાદ થયો છે અને થવાનો છે તે ખેતીપાકો માટે ફાયદાકારક વરસાદ છે.