Site icon Revoi.in

સુરતમાં 192 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, શૈક્ષણિક કાર્ય ઓનલાઈન કરાયું

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. સુરતમાં સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. સુરતમાં અત્યાર સુધીમાં 192 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયાં છે. જેથી સાત દિવસ માટે ટ્યુશન કલાસીસ બંધ કરીને ઓનલાઈન એજ્યુકેશન આપવા માટે આદેશ કરાયો છે. આ ઉપરાંત તમામ શાળા-કોલેજમાં પણ સાત દિવસ ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવશે. જો કે, માત્ર પરીક્ષા જ ઓફલાઈન લાઈન લેવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા મનપાના આરોગ્ય તંત્ર દ્વારા સ્કૂલોમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્કૂલ સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં કેટલાક વિદ્યાર્થી, શિક્ષકો કોરોના સંક્રમિત મળી આવતા વાલીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સુરતમાં ફરી કોરોનાના કેસ સામે આવતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય પર પણ અસર પડી રહી છે. સુરત મહાપાલિકાએ 7 દિવસ સુધી ટ્યુશન ક્લાસીસ બંધ કરવા આદેશ આપ્યો છે. ટ્યુશન કલાસીસ માત્ર ઓનલાઇન ચાલુ રહેશે. તો શાળા અને કોલેજમાં 7 દિવસ ઓનલાઈન શિક્ષણ રહેશે. માત્ર પરીક્ષા જ ઓફલાઈન લેવાશે. મનપાના નિર્ણય બાદ ક્લાસીસ સંચાલકોએ ક્લાસ બંધ કર્યા છે. ટ્યુશન ક્લાસ બંધ કરાતા આજથી ઓનલાઇન શિક્ષણ અપાશે. નિયમનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે.

સુરત શહેરમાં મનપા દ્વારા કેટલાક વિસ્તારોમાં સિટીબસ અને બીઆરટીએસ સેવા પણ બંધ કરવામાં આવી છે.  તેમજ શહેરના તમામ બાગ-બગીચાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આમ, સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા સિટી બસ બાદ હવે બગીચાઓ પણ બંધ કરવાના આદેશ અપાયા હતા.