Site icon Revoi.in

સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડુતો પાણીની ચોરી કરશે તો પાસા થશે, સરકાર સામે ખેડુતોમાં રોષ

Social Share

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં હાલ રવિ સીઝન ચાલી રહી છે. ઘણા ખેડુતોને નર્મદા કેનાલને લીધે સિંચાઈનો લાભ મળ્યો છે. જ્યારે ઘણા ખેડુતોને સિચાઈનો લાભ મળતો નથી. તેથી કેટલાક ખેડુતો પોતાના પાકને બચાવવા માટે પાઈપલાઈનમાંથી પાણીની ચોરી કરતા હોય છે. જો કે પાણીની ચારી રોકવા માટે વિભાગના અધિકારીઓ દ્વારા સમયાંતરે ચેકિંગ પણ કરવામાં આવતું હોય છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા જિલ્લા કલેક્ટરને આદેશ આપવામાં આવ્યો છે કે, પીવાના પાણીની પાઈપલાઈનમાંથી કોઈ ખેડૂતો ગેરકાયદેસર પાણી કનેક્શન લીધેલા હોય તો તેઓની સામે પાસાનું શસ્ત્ર અજમાવે, આવો હુકમ કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો રોષે ભરાયા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની ચોરી કરનારા ખેડુતો સામે પાસા કરવામાં આવશે. એટલે પાણી ચોરી કરતા પકડાયેલા ખેડુતોને જેલવાસ ભોગવવો પડશે. જો કે જિલ્લા કલેક્ટરના આદેશમાં ખાસ થાનગઢ અને મુળી તાલુકાના ખેડૂતોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ખેડૂતો હવે આ બાબતે લડવાના મુડમાં આવી ગયા છે. જિલ્લા કીસાન કોંગ્રેસ ચેરમેન રામકુભાઇ કરપડાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, સૌની યોજનાથી પાણી દ્વારકા સુધી પહોંચે છે, તે પાઈપલાઈન મુળી અને થાનગઢના જમીન પેટાળ હેઠળથી પસાર થાય છે. અહીંના ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાના નીર આપવામાં આવતા નથી. પીવાનું પાણી પણ ગામડાઓ સુધી સરકાર પહોચાડી શકી નથી. 2012થી ખેડૂતોને સૌની યોજના પાઈપલાઈનના સપનાઓ આપતા હતા. સૌરાષ્ટ્રના તમામ ડેમો ભરવામાં આવશે. એવી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે 2019થી સૌની યોજના પાઈપલાઈન ચાલુ છે અને થાનગઢ અને મુળી તાલુકાના ગામોમાં પાણી આપવામા આવતું નથી.

તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોએ કોઈ નાની પાઈપલાઈનમાંથી પીયત માટે પાક બચાવવા માટે પાણી કનેક્શન લીધેલુ ઝડપાઈ જશે તો પાસાનું શસ્ત્ર ઉગામવા કેટલું વ્યાજબી ગણાય. ખરેખર આ ખેડૂતોને પાણી ન પહોચાડી શકનારી સરકાર લાજવાના બદલે ગાજવા લાગી છે. ખેડૂતોને ચોર કહી અપમાન કરી પાસાનો ગેર‌ઉપયોગ ખેડૂતો ઉપર કરી રહી છે. ત્યારે ખેડૂતો આ બાબતે સરકાર સામે મોરચો માંડી કિડીને કોસનો ડામ જેવો આ પાસાનો કાયદો પરત લેવા લડત કરશે.