Site icon Revoi.in

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં એક બેઠક માટે કોંગ્રેસ અને AIMIM વચ્ચે જંગ જામશે

Social Share

અમદાવાદ : શહેરની મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના સંચાલન માટે સ્કૂલ બોર્ડ સમિતિની રચના માટે આગામી 5 ઓગષ્ટના રોજ ચૂંટણી  યોજાશે. આ ચૂંટણીમાં 1 બેઠક માટે કોંગ્રેસ અને ઔવેસીની પાર્ટી AIMIMના ઉમેદવાર વચ્ચે જંગ જામશે.  સ્કૂલ બોર્ડની ચૂંટણીમાં ભાજપના 11, કોંગ્રેસના 1 અને AIMIMના 1 ઉમેદવારે ફોર્મ ભર્યું છે.  કુલ 12 બેઠકો માટે 13 ઉમેદવારોએ ભર્યા ફોર્મ ભર્યા છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે આગામી 5 ઓગષ્ટના રોજ યોજાનારી ચૂંટણી માટે 12 જગ્યાઓ માટે 13 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમાં ભાજપના 11, કોંગ્રેસના એક અને AIMIMમાં એક ઉમેદવાર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે. કોંગ્રેસના કિરણ ઓઝા અને AIMIMના શરીફખાન દૂધવાળાએ ફોર્મ ભર્યા છે તેમજ ભાજપમાં સ્કૂલબોર્ડના ચેરમેન પદ માટે સૌથી પ્રબળ દાવેદાર વિપુલ સેવકને માનવામાં આવી રહ્યા છે. આ સિવાય ડો.સુજય મહેતા, નવીન પટેલ, ઘનશ્યામ પટેલ, મુકેશ પરમાર, અભય વ્યાસ, જીગર શાહ, અમૃત રાવલ, યોગીની પ્રજાપતિ, લીલાધર ખડકે અને સુરેશ કોરાણીએ ભાજપ પક્ષ દ્વારા અપાયેલા મેન્ડેટ અનુસાર ફોર્મ ભર્યા છે.

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની યોજાનારી ચૂંટણીના 29 તારીખે ફોર્મ સુધારણા પ્રક્રિયા હાથ ધરાશે. 8 જનરલ બેઠક, 1 અનુસૂચિત જાતિ અને 3 સરકાર વતી પ્રતિનિધિ મુકાશે. કુલ 192 કાઉન્સિલર માંથી 191 કાઉન્સિલર મતદાન કરશે. કાઉન્સિલર સિવાયના વ્યક્તિ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું પ્રતિનિધિત્વ કરશે.

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં સ્કૂલ બોર્ડના 15 સભ્યો તમામ શાળાઓના સંચાલનની પ્રક્રિયા પર દેખરેખ રાખતા હોય છે. આ 15 સભ્યોની વાત કરીએ તો 3 સભ્યોની નિમણુંક રાજ્ય સરકાર તરફથી કરવામાં આવે છે. જેમાં 1 સભ્ય તરીકે DEO અને બે સભ્ય તરીકે રાજ્ય સરકાર અંતિમ મહોર લગાવે તેની વ્યક્તિની પસંદગી કરાતી હોય છે. બાકી રહેતા 12 સભ્યોમાં એક બેઠક અનામત, 3 બેઠક મેટ્રિક પાસ ઉમેદવાર માટે ફાળવવામાં આવતી હોય છે. જ્યારે બાકીની 8 બેઠક જનરલ કેટેગરીની છે.

કોર્પોરેશનમાં ભાજપના કોર્પોરેટરનું સંખ્યાબળ 159 છે. જ્યારે કોંગ્રેસના 24 અને AIMIMના 7 કોર્પોરેટર છે. જેથી 12 બેઠકોની ચૂંટણીમાં 11 બેઠક પર ભાજપના ઉમેદવારોની જીત મનાઈ રહી છે જ્યારે બાકી રહેતી એક બેઠક પર કોંગ્રેસ અને AIMIM વચ્ચે ટક્કર છે. મહત્વનું છે કે સમયાંતરે અમદાવાદની 400થી વધુ શાળાઓના વહીવટી પ્રશ્નો અને વિધાર્થીઓની સવલતો માટે સ્કૂલબોર્ડના કોંગ્રેસના સભ્યો વિરોધ નોંધાવતા હોય છે. પણ આ વખતે વિપક્ષમાં 1 જ સભ્ય રહેશે તો વિરોધ કેવી રીતે થઈ શકશે તે એક પ્રશ્ન છે.