Site icon Revoi.in

SCOની બેઠકમાં ચીનના આ પગલા પર રશિયા અને પાકિસ્તાન એકસાથે આવ્યા,ભારતે કર્યો વિરોધ

Social Share

દિલ્હી : ભારતની અધ્યક્ષતામાં મંગળવારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના નેતાઓની સમિટ યોજાઈ હતી. કોન્ફરન્સના અંતે જારી કરાયેલી નવી દિલ્હીની ઘોષણામાં ભારતે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI પ્રોજેક્ટ)ને સમર્થન આપતા ફકરા પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે, ચીનના આ પ્રોજેક્ટને લઈને રશિયા અને પાકિસ્તાન સહિત ઘણા દેશોએ પોતાનું સમર્થન આપ્યું છે.

વર્ષ 2022માં સમરકંદ ઘોષણાપત્રમાં ચીનના પ્રોજેક્ટને સમર્થન આપતો ફકરો પણ સામેલ હતો અને તે દરમિયાન ભારતે પણ તે ફકરા પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો.

2023 SCO ઘોષણાપત્રમાં BRI ને લઈને એક પેરેગ્રાફમાં લખ્યું છે, “કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI) માટે તેમના સમર્થનની પુનઃ પુષ્ટિ કરે છે. આ દેશો યુરેશિયન ઇકોનોમિક યુનિયન (બેલારુસ, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન અને તાજીકિસ્તાન) અને BRI ને જોડવાના પ્રયાસો સહિત સંયુક્ત રીતે પ્રોજેક્ટ અમલમાં મૂકવા માટે ચાલી રહેલા કામને સમર્થન આપે છે.

ભારત હંમેશા ચીનના BRI પ્રોજેક્ટનો વિરોધ કરતું આવ્યું છે. આ પ્રોજેક્ટ દ્વારા ચીન મધ્ય પૂર્વ, આફ્રિકા અને યુરોપ સાથે જમીન અને સમુદ્ર દ્વારા કનેક્ટિવિટી વધારવા માટે ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે. તેને આજના સમયનો સિલ્ક રોડ પણ કહેવામાં આવે છે.

ચીન આ પ્રોજેક્ટ હેઠળ પાકિસ્તાનમાં ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પર કામ કરી રહ્યું છે, જે ભારતનું કહેવું છે કે તે ભારતની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરે છે.