Site icon Revoi.in

હાલના સમયમાં દુનિયા ભારતીય અર્થવ્યવસ્થાના મૂળભૂત સિદ્ધાંતો વિશે સહમતઃ PM મોદી

Social Share

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કર્ણાટક રાજ્યના વૈશ્વિક રોકાણકાર સંમેલન ‘ઇન્વેસ્ટ કર્ણાટક 2022’ના ઉદ્ઘાટન સમારંભમાં સંબોધન કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું હતું કે,  કર્ણાટક પરંપરા અને ટેકનોલોજી, પ્રકૃતિ અને સંસ્કૃતિ, અદ્ભુત સ્થાપત્ય અને વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ્સનું સંયોજન છે. “જ્યારે પ્રતિભા અથવા ટેકનોલોજીની વાત આવે છે ત્યારે મનમાં બ્રાન્ડ બેંગલુરુ સૌથી પહેલા આવે છે. આ નામ માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં સ્થાપિત થયેલું છે”.

તેમણે નોંધ્યું હતું કે, વિનિર્માણ અને ઉત્પાદન મોટાભાગે રાજ્ય સરકારની નીતિઓ અને નિયંત્રણ પર આધારિત છે. “આ વૈશ્વિક રોકાણકાર સંમેલન દ્વારા, રાજ્યો ચોક્કસ ક્ષેત્રોને લક્ષ્ય બનાવી શકે છે અને અન્ય દેશો સાથે ભાગીદારી બનાવી શકે છે” તેમજ આ સંમેલનમાં હજારો કરોડોની ભાગીદારીનું આયોજન કરવામાં આવ્યું છે જેના પરિણામે દેશના યુવાનો માટે રોજગારમાં વધારો થશે તે બાબતે આનંદ વ્યક્ત કર્યો હતો.

નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, 21મી સદીમાં ભારતે પોતાની વર્તમાન સ્થિતિમાંથી માત્ર આગળ જ વધવાનું છે. ગયા વર્ષે ભારતમાં 84 અબજ ડૉલરનું વિક્રમી વિદેશી રોકાણ આવ્યું હતું. “અનિશ્ચિતતાના આ સમય દરમિયાન, હજુ પણ મોટાભાગના રાષ્ટ્રો ભારતીય અર્થવ્યવસ્થાના મૂળભૂત સિદ્ધાંતો વિશે સહમત છે. વિભાગીકરણના આ સમયમાં ભારત દુનિયા સાથે આગળ વધી રહ્યું છે અને દુનિયા સાથે મળીને કામ કરવા પર ભાર આપી રહ્યું છે. અત્યારે પુરવઠા સાંકળમાં વિક્ષેપ પડ્યો છે એવા સમય દરમિયાન ભારત સમગ્ર દુનિયાને દવાઓ અને રસીઓનો પુરવઠો પહોંચાવા અંગે ખાતરી આપી શકે છે. અત્યારે બજાર સંતૃપ્તિનો માહોલ સર્જાયો હોવા છતાં, આપણા નાગરિકોની આકાંક્ષાઓને કારણે આપણા સ્થાનિક બજારો ઘણા મજબૂત છે. વૈશ્વિક કટોકટીના હાલના સમયમાં પણ નિષ્ણાતો, વિશ્લેષકો અને અર્થશાસ્ત્રીઓએ ભારતને એક તેજસ્વી સ્થળ તરીકે બિરદાવ્યું છે. “અમે પસાર થઇ રહેલા દરેક દિવસની સાથે સાથે ભારતની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે આપણી મૂળભૂત બાબતોને નક્કર બનાવવા માટે નિરંતર કામ કરી રહ્યા છીએ.”

PMએ ભારતીય અર્થવ્યવસ્થાના માર્ગને સમજવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે 9-10 વર્ષ પહેલાં જ્યારે દેશ નીતિ અને અમલીકરણ સંબંધિત સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યો હતો તે સ્થિતિમાંથી અભિગમમાં આવેલા પરિવર્તન અંગે સમજાવ્યું હતું. તેમણે રેખાંકિત કર્યું કે, “આપણે રોકાણકારોને લાલ ફિતાશાહીમાં ફસાવવાને બદલે, રોકાણ માટે લાલ જાજમનો માહોલ બનાવ્યો છે, અને નવા જટિલ કાયદા બનાવવાને બદલે, અમે તેમને તર્કસંગત બનાવ્યા છે.”

તેમણે ઉમેર્યું હતું કે, “નવા ભારતનું નિર્માણ માત્ર હિંમતપૂર્ણ સુધારાઓ, વિશાળ માળખાકીય સુવિધાઓ અને શ્રેષ્ઠ પ્રતિભાથી જ શક્ય છે. આજે સરકારના દરેક ક્ષેત્રમાં હિંમતપૂર્ણ સુધારા હાથ ધરવામાં આવી રહ્યા છે.” તેમણે GST, IBC, બેંકિંગ સુધારા, UPI, 1500 જૂના કાયદાના નાબૂદીકરણ અને 40 હજાર બિનજરૂરી અનુપાલનનો દૂર કરવાના નિર્ણયોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, કંપની અધિનિયમની ઘણી બધી જોગવાઇઓનું નિરાપરાધીકરણ, ફેસલેસ આકારણી, FDI માટે નવા માર્ગો, ડ્રોન સંબંધિત નિયમોનું ઉદારીકરણ, જીઓસ્પેટિયલ અને અવકાશ ક્ષેત્ર તેમજ સંરક્ષણ ક્ષેત્ર જેવા પગલાં અભૂતપૂર્વ ઊર્જાનો સંચાર કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા 8 વર્ષમાં કાર્યરત હવાઇમથકોની સંખ્યા વધીને બમણી થઇ ગઇ છે અને 20થી વધુ શહેરોમાં મેટ્રો સેવાનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનના ઉદ્દેશ્ય પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું હતું કે, તેનો ઉદ્દેશ સંકલિત માળખાકીય વિકાસનો છે. તેમણે આ બાબતે સમજાવ્યું હતું કે, જ્યારે યોજનાના અમલીકરણમાં સૌથી કાર્યક્ષમ માર્ગની ચર્ચા કરવામાં આવે છે ત્યારે માત્ર માળખાકીય સુવિધાના વિકાસ માટે જ રોડ મેપ નથી તૈયાર કરવામાં આવતો પરંતુ હાલની માળખાકીય સુવિધાઓએ માટે પણ તેને તૈયાર કરવામાં આવે છે. નરેન્દ્ર મોદીએ છેવાડા સુધીની કનેક્ટિવિટી પર વિશેષ ભાર મૂક્યો હતો અને ઉત્પાદન અથવા સેવાને વિશ્વ કક્ષાના બનાવીને તેને સુધારવાની રીતો પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ આ યાત્રામાં યુવાનો દ્વારા કરવામાં આવતી પ્રગતિ પર પ્રકાશ પાડ્યો હતો અને જણાવ્યું હતું કે, ભારતમાં દરેક ક્ષેત્ર યુવા શક્તિ ઊર્જાથી આગળ વધી રહી છે.

નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે “રોકાણ અને માનવ મૂડી પર ધ્યાન કેન્દ્રીત કરીને જ વિકાસના લક્ષ્યો પ્રાપ્ત કરી શકાય છે. આ વિચારસરણી પર આગળ વધીને આપણે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે રોકાણને પ્રોત્સાહન આપ્યું છે. અમારો ઉદ્દેશ્ય ઉત્પાદકતા વધારવાની સાથે સાથે માનવ મૂડીમાં સુધારો કરવાનો પણ છે. તેમણે આરોગ્ય ખાતરી યોજનાઓ; આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો તરીકે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ; ધોરીમાર્ગોનું નેટવર્ક તેમજ શૌચાલય અને સ્વચ્છ પીવાના પાણીની જોગવાઇ; ભાવિ માળખાકીય સુવિધાઓ તેમજ સ્માર્ટ સ્કૂલ દ્વારા ઉત્પાદન પ્રોત્સાહનો જેવી બાબતો પર એક સાથે ભાર આપવાનો ઉલ્લેખ કરીને આ અંગે વિગતે સમજાવ્યું હતું. દેશના પર્યાવરણ માટે અનુકૂળ વિકાસ અંગે પીએમએ જણાવ્યું હતું કે, “હરિયાળીમાં વૃદ્ધિ અને ટકાઉક્ષમ ઊર્જા તરફની અમારી પહેલોએ વધુને વધુ રોકાણકારોને આકર્ષિત કર્યા છે. જેઓ પોતાનો ખર્ચ પાછો મેળવવા માગે છે અને આ પૃથ્વી પ્રત્યેની તેમની જવાબદારી પણ નિભાવવા માગે છે, તેઓ આશા સાથે ભારત તરફ નજર કરી રહ્યા છે.”