Site icon Revoi.in

ભરૂચમાં નવનિર્મિત બસ પોર્ટનું લોકાર્પણ, જાહેર-સરકારી અસ્ક્યામતોની સાચવણી કરવા CMનું આહવાન

Social Share

અમદાવાદઃ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચમાં નવા બસપોર્ટનું લોકાપર્ણ કરતાં નાગરિકોને પ્રેરક આહવાન કર્યુ કે જાહેર-સરકારી અસ્ક્યામતોને પોતીકી ગણીને તેની સાચવણીનું દાયિત્વ આપણે નિભાવવું જોઇએ. ગુજરાત રાજ્ય માર્ગ-વાહનવ્યવહાર નિગમ અને ડી.આર.એ નર્મદા બસપોર્ટ પ્રા. લિ. દ્વારા પીપીપી ધોરણે ભરૂચમાં રૂ. 113 કરોડના ખર્ચે નિર્માણ થયેલા આઇકોનિક બસપોર્ટનું લોકાર્પણ મુખ્યમંત્રીએ વાહનવ્યવહાર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં કર્યુ હતું.

આ પ્રસંગ્રે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, નાનામાં નાના માનવીને પણ મુખ્ય ધારામાં લાવી શકાય તેવી વિકાસની રાજનીતિથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ, વંચિત, સામાન્ય માનવી સુધી વિકાસ પહોંચાડ્યો છે. વડાપ્રધાનની દરેક કલ્યાણ યોજનામાં કે જનહિતકારી નિર્ણયોમાં ગરીબ-છેવાડાનો અને નાનો માનવી કેન્દ્રસ્થાને હોય છે. તેમણે જણાવ્યું કે, ગુજરાત દેશના વિકાસનું રોલમોડેલ બન્યું છે તેના મૂળમાં વડાપ્રધાનએ નાંખેલો મજબૂત પાયો છે. ગુજરાતના ગામડામાં પણ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલની સેવાઓ મળે છે.

વડાપ્રધાનના નેતૃત્વમાં દેશમાં પાછલા નવ વર્ષમાં પ્રગતિની ગતિ પણ વેગવંતી બની છે તેનું દ્રષ્ટાંત આપતાં મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે ગત એપ્રિલ મહિનામાં જી.એસ.ટી ની જે માતબર આવક થઇ છે તે જ પૂરવાર કરે છે કે ધંધા-રોજગાર ઉદ્યોગોનું આખુંય ચક્ર દેશમાં તીવ્ર ગતિએ ચાલે છે. એસ.ટી નિગમની મુસાફર લક્ષી સેવા-સુવિધાઓમાં પર્યાવરણ જાળવણી માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતાં એસ.ટી. નિગમે 50 ઇ-બસો સેવામાં મૂકી છે અને વધુ 250 બસો ભવિષ્યમાં સેવામાં મુકાવાની છે તેની પણ છણાવટ કરી હતી.

વાહન વ્યવહાર અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે ભરૂચ જિલ્લાને ઘણી જ અમૂલ્ય ભેટ મળી છે. તમામ નાગરિકો માટે એરપોર્ટને ટક્કર આપે તેવી સુવિધાઓ ધરાવતું બસ પોર્ટ ખુલ્લુ મુકયું છે. ગુજરાત રાજ્યમાં 15 જેટલા બસ સ્ટેશનોને બસ પોર્ટમાં બદલવામાં આવ્યા છે. સરકારે લગભગ 2000 જેટલી નવી બસો રાજ્યને ભેટ આપી છે, અને નવી 300 જેટલી ટ્રીપ વધારી છે.

નવી બસોમાં હાલની જરૂરીયાત પ્રમાણે સુવિધાઓ આપવામાં આવી છે. ચાર્જિગ પોઈન્ટ, બસના સિટનું મટીરીયલ  બદલી અગવડતાને સગવડતાના રૂપમાં રાખી ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે.રોજગારીનું સૌથી મોટું ગ્રોથ સેક્ટર ભરૂચ જિલ્લો બન્યો છે. આ બસ પોર્ટ હવે તમામ લોકો માટે સારી સુવિધાયુકત બન્યુ છે ત્યારે તેની દરકાર રાખવાની હિમાયત મંત્રીએ  કરી હતી.