Site icon Revoi.in

અમદાવાદમાં આવકવેરા વિભાગનો સપાટો, ચાર બિલ્ડર જૂથ ઉપર દરોડા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આવકવેરા વિભાગ દ્વારા દિવાળી પહેલા દરોડાનો દોર શરુ કરવામાં આવ્યો છે. દરમિયાન આજે આવકવેરા વિભાગે જાણીચા ચાર બિલ્ડર જુથ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. એટલું જ નહીં આ ગ્રુપ સાથે જોડાયેલા બ્રોકરોના ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. બિલ્ડર જૂથ ઉપર આવકવેરા વિભાગના દરોડાના પગલે બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે. આવકવેરા વિભાગના દરોડાના અંતે ચારેય જૂથ પાસેથી કરોડોની કરચોરી સામે આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના જાણીતા બિલ્ડર ગ્રુપ સહિત 4 જૂથ પર IT વિભાગની કાર્યવાહી કરવામાં આવી હતી. બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલા અમદાવાદના ટોચના બે બ્રોકર પણ ઇન્કમટેક્સ વિભાગના રડારમાં છે. ચારેય બિલ્ડર જૂથના સંચાલકોના ઓફિસ, નિવાસસ્થાન અને વ્યવસાયના સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડાની કાર્યવાહીમાં ઇન્કમટેક્સના 150 થી પણ વધુ અધિકારીઓનો કાફલો જોડાયો હતો. તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ મળી આવે તેવી શક્યતા છે. આવકવેરા વિભાગને આ તમામ બિલ્ડર્સના ત્યાં બેનામી સંપત્તિ હોવાના ઇનપુટ મળ્યા હતા, જેના આધારે તપાસ કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં આવકવેરા વિભાગે તાજેતરમાં બે કમિકલ કંપનીઓ ઉપર દરોડા પાડ્યાં હતા. બંને કંપનીઓના સંચાલકોના નિવાસસ્થાન અને વ્યવસાયના સ્થળો ઉપર પાંચ દિવસ સુધી કરવામાં આવેલી કાર્યવાહીના અંતે રૂ. 200 કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા હતા. તેમજ મોટા પ્રમાણમાં રોકડ, સોના-ચાંદીના દાગીના, ડિજિટલ ડેટા મળી આવ્યા હતા.