Site icon Revoi.in

સુરતમાં ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ જૂથ ઉપર આવકવેરા વિભાગના દરોડા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આવકવેરા વિભાગે કરચોરોને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન આવકવેરા વિભાગે દક્ષિણ ગુજરાતમાં ડાયમંડ અને જ્વેલર્સના વ્યવસાય સાથે સંકળાયેલા ત્રણ જૂથ ઉપર દરોડા પાડીને તપાસ શરૂ કરી હતી. આવકવેરા વિભાગની તપાસના અંતે કરોડોની કરચોરી ઝડપાવાની શકયતા છે. આવકવેરા વિભાગે સુરત ઉપરાંત રાજકોટમાં બે સ્થળો ઉપર તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં આવકવેરા વિભાગના 100થી વધારે અધિકારીઓએ ત્રણેય જૂથના લગભગ 35 સ્થળ ઉપર સર્ચ શરૂ કર્યું હતું. આઈટીના દરોડામાં ત્રણેય જૂથ પાસેથી કેટલાક વાંધાજનક દસ્તાવેજ મળી આવ્યા હતા. એટલું જ નહીં હિસાબી ચોપડા મળી આવ્યાં હતા. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે. સુરતમાં હાલ રહેણાંક અને કામકાજના સ્થળો સહિતની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા હતા, વહેલી સવારથી આ કામગીરી વિવિધ ટીમો દ્વારા હાથ ધરવામાં આવી હતી. આર્થિક નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરવામાં આવી હતી. સમગ્ર તપાસ પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી છે.

આવકવેરા વિભાગની ટીમે નવરાત્રિ અને દિવાળીના પહેલા જ સુરત અને રાજકોટમાં મોટા પાયે દરોડા પાડતા ડાયમંડ અને જ્વેલર્સ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. સુરતમાં દરોડા પડેલા અન્ય શહેરમાંથી આઈટીના અધિકારીઓને બોલાવી લેવામાં આવ્યા હતા, આજે સવારે જ આ અધિકારીઓએ દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી.