Site icon Revoi.in

ભુજમાં ડેંગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં વધારો, આરોગ્ય તંત્રએ એલર્ટ મોડમાં

Social Share

ભુજઃ : કચ્છમાં તાજેતરમાં કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યું હતુ. હાલ રાત્રે ઠંડી અને બપોરના ટાણે ગરમી એમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. તેથી વાયરલ બીમારીના કેસ વધવાની સાથે ડેન્ગ્યુ અને ચીકન ગુનિયાના કેસોમાં પણ વધારો થયો છે.  ભુજમાં ડેંગ્યુ અને ચિકનગુનિયાનો વ્યાપ ગંભીર બનતાં જિલ્લા આરોગ્ય તંત્રે ત્રીજી મેગા ડ્રાઇવ હાથ ધરી હતી. ભૂજ શહેરમાં જ ડેન્ગ્યુ અને ચીકન ગુનિયાના સૌથી વધુ કોસ જોવા મળી રહ્યા છે. સરકારી તેમજ ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે.

ભુજના ડેન્ગ્યુ અને ચિકનગુનિયાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી વળવા આજે ભુજ તાલુકા ઉપરાંત અન્ય તાલુકામાંથી કર્મચારીઓને લઇને 85 સર્વે ટીમો ઉતારાઇ હતી. 30 હજારથી વધુ વસતી અને 8 હજાર જેટલા ઘરોને આવરી લેવાયા હતા. 10 જેટલી ફોગિંગ ટીમોએ 653 ઘરોમાં ફોગિંગ કર્યું હતું.આ તપાસ ટીમોને તાવના કેસો જોવા મળતાં 21 લોકોના લોહીના નમૂના લઇ લેબોરેટરીમાં પરીક્ષણ કરાયું હતું. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના નિયંત્રણ માટે ટીમોએ 29,647 પાણી ભરેલા પાત્રો ચકાસ્યા હતા. જેમાંથી 8532 પાત્રોમાં પોરાનાશક દવાનો છંટકાવ કરાયો હતો. 313થી વધારે સ્થળોએ મચ્છરોની ઉત્પત્તિ કરતા લારવા દેખાયા હતા.આ અભિયાન હેઠળ સર્વેક્ષણ દરમિયાન 253 ઘરોમાં મચ્છરોની ઉત્પત્તિ જણાઇ હતી.ચેપી મચ્છરોના નાશ માટે ઘરોની અંદર ફોગિંગ, જ્યારે લારવા જણાયા ત્યાં પોરાનાશક કામગીરી કરવાની સાથે લોકોને મચ્છર થતા અટકાવવા જાગૃત કરાયા હતા. જિલ્લા મેલેરિયા અધિકારીના નિરીક્ષણ હેઠળ ટીમોએ કામગીરી કરી હતી. તેમને સીડીએચઓ અને ભુજ ટીએચઓ દ્વારા માર્ગદર્શન અપાયું હતું.