Site icon Revoi.in

અમદાવાદમાં તાવ, ટાઈફોડ અને ઝાડા-ઊલટીના કેસમાં વધારો, મ્યુનિનું હેલ્થ વિભાગ બન્યુ સક્રિય

Social Share

અમદાવાદઃ  શહેરમાં જુન-જુલાઈ મહિના દરમિયાન પડેલા વરસાદ બાદ ઓગસ્ટ મહિનો એકંદરે કોરો રહ્યો હતો. પરંતુ વાદળછાંયા વાતાવરણને કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં ઘરે ઘરે લોકો બીમાર પડી રહ્યા છે. ઝાડા- ઊલટી, ટાઇફોઇડ, કમળો અને ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ ત્રણ  દિવસમાં પાણીજન્ય ઝાડા ઊલટીના 65 કેસ, ટાઇફોઇડના 41 અને કમળાના 20 કેસો નોંધાયા છે.. મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 30 અને મેલેરિયાના 05 કેસો નોંધાયા છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ઝાડા- ઊલટી, ટાઈફોડ અને ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળો અટકાવવા AMCના આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચેકિંગ દરમિયાન મચ્છરોના બ્રિડિંગ મળી આવતાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.

એએમસીના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું કે, પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. આરોગ્ય વિભાગ દ્વારા ત્રણ દિવસમાં 355 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી એક સેમ્પલ અનફિટ થયુ હતુ. જ્યાં પણ આવા અનફિટ સેમ્પલો મળી આવ્યા છે, ત્યાં એન્જિનિયરિંગ વિભાગ દ્વારા લીકેજને રીપેર કરવાની કામગીરી કરવામાં આવે છે.

શહેરના મ્યુનિ, કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોના પોરાને શોધીને નાશ કરવા માટે પણ ઝૂંબેશ ચલાવવામાં આવી છે. જેમાં બિલ્ડર્સની નવી સાઈટ્સ, લોકોના ધાબા પર ભરાયેલા પાણી દૂર કરીને મચ્છરોના પોરા શોધીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. હાલ ડીડીટીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. તેમજ નાગરિકોને સ્વચ્છતા રાખવાની અપિલ પણ કરવામાં આવી છે. હાલ સાતમ-આઠમના તહેવારોને લીધે મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.