અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના સાજા થયેલા કેટલાક દર્દીઓમાં મ્યુકર માઈકોસિસની બીમારી જોવા મળી રહી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં 100થી વધુ મ્યુકર માઈકોસિસના દર્દી દાખલ છે. જ્યારે 45 જેટલા દર્દી વેઇટિંગમાં છે. પહેલા વેવમાં સિવિલની ઓપીડીમાં દરરોજ આશરે ત્રણ-ચાર દર્દી આવતા હતા જે આંકડો વધીને 20 ઉપર પહોંચ્યો છે. સિવિલના ઈએનટી વિભાગમાં રોજ ચાર સર્જરી થાય છે.
સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ સિવિલના ફકત ઈએનટી વોર્ડમાં હાલ 67 મ્યુકર માઈકોસિસના દર્દીઓ દાખલ છે, જેમાંથી 45 લોકોને સર્જરી કરવાની બાકી છે. આવા દર્દીઓનો મોર્ટાલિટી રેટ 40થી 50 ટકા છે. ડેન્ટલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યુ હતું કે, મ્યુકર માઈકોસિસના દર્દીઓથી 22 બેડનો આખો ડેન્ટલ વોર્ડ ભરાઈ ગયો છે. આ ચેપ નાક, મોઢા અને આંખમાં લાગે છે. આ એક પ્રકારે ઉધઈ જેવો રોગ છે. જ્યાં પણ સડો હોય તે ભાગે કાઢી નાંખવો પડે છે. છેલ્લા સ્ટેજમાં ચેપ મગજ સુધી પણ પહોંચે છે.
મજબૂત દાંત હોય તો પણ એકાએક હલવા લાગે, પેઢામાં પરુ થાય, તાળવાનો રંગ બદલાય, ગાલ પર સોજો આવે, ગાલનો રંગ બદલાય, ઉપરનું જડબુ નાકનું હાડકું, આંખ નીચેનું હાડકું ખવાઈ જાય છે. દર્દીને ડાયાબિટીસ હોય, કોરોનામાં સ્ટિરોઈડની જરૂર પડી હોય, પાંચથી વધુ દિવસ ઓક્સિજન પર રહેવું પડ્યું હોય તેમને મ્યુકર માઈકોસિસ થવાની શક્યતા રહેલી હોય છે.