Site icon Revoi.in

INDI ગઠબંધનની બેઠક મળી, સંસદમાં સરકારને ઘેરવા માટે બનાવી રણનીતિ

Social Share

નવી દિલ્હી, 6 ઓગસ્ટ 2026: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રાજકીય ગરમાવો સતત વધી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખરગેની અધ્યક્ષતામાં ગુરુવારે સંસદ ભવન ખાતે ‘INDI’ ગઠબંધનના ફ્લોર લીડર્સની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંસદની આગામી કાર્યવાહી માટેની રણનીતિ ઘડવામાં આવી હતી અને સરકારને વિવિધ જનહિતના મુદ્દાઓ પર ઘેરવા માટે સઘન ચર્ચા કરવામાં આવી હતી. ગઠબંધનના નેતાઓએ સંકલિત રીતે ગૃહમાં સરકારનો વિરોધ કરવા પર સહમતિ દર્શાવી છે.

ગુરુવારે સંસદની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ, વર્ષ 1945માં જાપાનના હીરોશિમા અને નાગાસાકી પર થયેલા પરમાણુ હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ હોબાળા અને વિવિધ મુદ્દાઓને લઈને લોકસભાની કાર્યવાહી બપોરના 2 વાગ્યા સુધી અને રાજ્યસભાની કાર્યવાહી બપોરના 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. સંસદ ભવનના પરિસરમાં વિપક્ષી સાંસદોએ બે મુખ્ય મુદ્દાઓ પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વિપક્ષે રામ મંદિરની દાનપેટીમાંથી નાણાં અને આભૂષણોની ચોરી કે ગેરવહીવટના આક્ષેપો સાથે સરકારને ઘેરી હતી. તેમજ ગત 20 જુલાઈએ દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી સામે રોષ વ્યક્ત કર્યો હતો. સમાજવાદી પાર્ટીના સાંસદો ‘ચંદા ચોર, ગદ્દી છોડ’ જેવા સૂત્રો લખેલા પ્લેકાર્ડ સાથે જોવા મળ્યા હતા, જ્યારે અન્ય સાંસદોએ ગૃહમંત્રી અમિત શાહના રાજીનામા કે સ્પષ્ટતાની માગ સાથે તખ્તીઓ પ્રદર્શિત કરી હતી.

લોકસભામાં કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે સ્થગન પ્રસ્તાવની નોટિસ આપીને વિદ્યાર્થી આંદોલન પર પોલીસની કડકાઈના મુદ્દે તાત્કાલિક ચર્ચા કરવાની માંગ કરી હતી. તેમણે આ સમગ્ર પ્રકરણમાં ગૃહમંત્રી અમિત શાહ તરફથી ગૃહમાં સંતોષકારક નિવેદન આપવાની પણ માગણી દોહરાવી હતી.

સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજીજુએ અગાઉ કોંગ્રેસ, ડાબેરીઓ અને સપા પર સંસદમાં આ મુદ્દો ઉઠાવીને ‘ભગવાન રામ વિરોધી’ હોવાનો આક્ષેપ કર્યો હતો. જેના જવાબમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, “જો રામ મંદિરમાં કથિત ચોરી કે ભ્રષ્ટાચારના સવાલો ઉઠાવીએ તો શું અમે રામ વિરોધી બની ગયા? દાનપેટીમાંથી આભૂષણો અને માતા સીતાના મંગળસૂત્ર ચોરાયાની ચર્ચાઓ સામે આવે ત્યારે સવાલ પૂછવા એ અમારો અધિકાર છે. આ કેવું હિન્દુત્વ છે કે ચોરી કરનારાઓને ભક્ત ગણવામાં આવે અને સવાલ પૂછનારને વિરોધી ઠેરવવામાં આવે?”

Exit mobile version