અમદાવાદઃ આચાર્યશ્રી મહાશ્રમણજીની પાવન ઉપસ્થિતિમાં આચાર્ય તુલસી મહાપ્રજ્ઞ વિચાર મંચ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ્રે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભારત સદીઓથી ધર્મ, અધ્યાત્મ અને સંત-ઋષિ પરંપરાની વિરાસત ધરાવતો દેશ છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ પ્રસંગે બોલતાં કહ્યું હતું કે, ભગવાન મહાવીર સ્વામીએ જીવન દર્શન માટે પ્રબોધેલા અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ સાર્વભૌમ છે. વિશ્વના કોઈપણ દેશમાં, કોઈપણ ધર્મમાં, કોઈ પણ જાતિને, કોઈપણ સમયે આ શબ્દો એક સરખી રીતે સ્વીકૃત છે. આ ઉપદેશ ને જ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ ગણાવતાં તેમણે કહ્યું કે, આ મહાવ્રતો પૂર્ણ સત્ય અને સિદ્ધાંત છે. માનવ જીવનમાં જે ટકી જાય એ ધર્મ અને ન ટકી શકે તે અધર્મ. આ સિદ્ધાંતોને પૂર્ણ રૂપે અપનાવીએ તો ધરતી પર સ્વર્ગ થઈ જાય. આચાર્ય તુલસી, આચાર્ય મહાપ્રજ્ઞ અને આચાર્ય મહાશ્રમણજી જેવા સંતોનું સાંન્નિધ્ય એ પ્રત્યેક મનુષ્ય માટે સૌભાગ્યની વાત છે.
આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આપણો ભારત દેશ સદીઓથી ધર્મ, આધ્યાત્મ અને સંત-ઋષિ પરંપરાની વિરાસત ધરાવતો દેશ છે ત્યારે વડાપ્રધાનએ આ વિરાસતનું ગૌરવ કરવાનું આહવાન કર્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, જૈન ધર્મએ પણ વિશ્વને જીવદયા, અહિંસા પરમો ધર્મ, સેવાભાવના ઉત્તમ સિદ્ધાંતો આપ્યા છે. જૈન ધર્મ જીવવા સાથે અન્યોને જીવાડવાનો પણ બોધ આપે છે. જૈન ધર્મના અહિંસા, કરુણા, દયાના સિદ્ધાંતો આજે સદીઓ પછી પણ એટલા જ રિલેવન્ટ રહ્યા છે. આમ, સદીઓથી જૈન ધર્મ અહિંસા, કરુણા અને જીવદયાનો સંદેશ ફેલાવતો રહ્યો છે.
આચાર્ય તુલસી મહાપ્રજ્ઞ વિચારમંચની પ્રશંસા કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, હીરા, મોતીથી ન ભાંગી શકે તેવી આત્માની ભૂખને આ સંતો તેમના શીતળ સાન્નિધ્યથી ભાંગે છે, એવા જ એક પરમ પૂજ્ય સંત શ્રી આચાર્ય તુલસીના નામ અને સિદ્ધાંતોથી સંચાલિત ‘આચાર્ય તુલસી મહાપ્રજ્ઞ વિચારમંચ‘ ઉત્તમ કામગીરી કરી રહ્યું છે તે સરાહનીય છે.
અમદાવાદના શાહીબાગમાં આચાર્ય મહાશ્રમણ પ્રવચન સ્થળ ખાતે આયોજિત આ સમારોહમાં બોલતાં આચાર્યશ્રી મહાશ્રમણજીએ કહ્યું હતું કે, ધર્મ અને શાસ્ત્રોએ મનુષ્યને દુર્લભ બનાવ્યો છે. એ આત્માથી પરમાત્મા પણ બની શકે છે અને અધોગતિ તરફ પણ ધકેલાઈ શકે છે. ભારતીયોનું એ સૌભાગ્ય છે કે સંત સંપદાથી ધર્મપાલન થકી તે આધ્યાત્મિક ઉન્નતિ હાંસલ કરી શકે છે. આધ્યાત્મિકતાથી જ સહજ, આંતરિક અને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. બહારના સાધનો સુવિધા આપી શકે, આધ્યાત્મિકતા જ શાશ્વત સુખનો ઉપાય છે.